મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 ડિસેમ્બર 2021 (14:26 IST)

રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે સમારકામ વખતે જ જર્જરિત પુલનો એક ભાગ ધરાશાયી

રાજકોટ નજીક જૂના કુવાડવા રોડ પર પોલીસ મથક નજીકના પુલ કે જે લાલપરીના પુલ તરીકે ઓળખાય છે, તેનો એક તરફનો કેટલોક ભાગ આજે રિપેરિંગ વખતે જમીનમાં ધરાશાયી થઈ જતા દોડધામ મચી ગઈ હતી. આ વખતે પુલનું હીટાચી મશીનથી સમારકામ ચાલતુ હોવાથી આ મશીન પણ જમીનમાં ખાબક્યુ હતું. જેના કારણે તેના ચાલકને ઈજા થઈ હતી.પ્રાપ્ત વિગત મુજબ જૂના કુવાડવા રોડ પર પોલીસ મથક નજીક આવેલા પુલનું છેલ્લા ઘણા સમયથી સમારકામ ચાલુ છે. પુલની એક તરફની એટલે કે રાજકોટથી અમદાવાદ જવા માટેની સાઈડ 8 ડિસેમ્બરે ખોલી નાખવામાં આવી હતી. જ્યારે તેની સામેની એટલે કે અમદાવાદથી રાજકોટ તરફની સાઈડનું સમારકામ ગઈકાલથી શરૂ થયું હતું. આ માટે ગઇકાલે બપોરે આ સાઈડ તરફ હીટાચી મશીનથી કામગીરી ચાલુ હતી. ત્યારે અચાનક પુલનો અમુક ભાગ નીચે ધસી પડતા તેની સાથે હીટાચી મશીન પણ નીચે ધસી પડ્યું હતું. જેને કારણે તેના ચાલકને માથાના ભાગમાં ઈજા થઈ હતી.આ ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. એટલુ જ નહી ઘણા સમય સુધી ટ્રાફિકજામ થઈ ગયો હતો. ખાડામાં ખાબકેલા હીટાચી મશીનને બહાર કાઢવા માટે તોતિંગ ક્રેઈન મગાવવામાં આવી હતી. ત્યારબાદ લાંબી જહેમત બાદ સાંકળની મદદથી હીટાચી મશીનને મહામુસીબતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. તેનો ચાલક ઘવાતા તેને હોસ્પિટલમાં સારવાર અપાવાઈ હતી. ઉલ્લેખનીય છે કે પુલનો જે ભાગ આજે ધરાશાયી થયો હતો તે પુલ ગઈકાલ સુધી ખુલ્લો હતો. રિપેરિંગ માટે ગઇકાલે જ બંધ કરાવાયો હતો.