મહુવા સુગર ફેક્ટરીમાં ઈથેનોલને ટેન્કરમાં લોડિંગ કરતી વખતે સ્પાર્ક થવાથી આગ ભભૂકી ઉઠી  
                                       
                  
				  				   
				   
                  				  સુરત જિલ્લાના બારડોલી-મહુવા ઈન્ડસ્ટ્રીયલ પોકેટમાં આવતા વિવિધ એક્સિડન્ટ હેઝાર્ડ ધરાવતા જોખમી કેમિકલ કારખાનાઓમાં સંભવિત અકસ્માત સમયે કટોકટીના સંજોગોમાં વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક મદદ મળી રહે તથા સંબંધિત વિભાગોમાં સતર્કતા જળવાઈ રહે એ હેતુથી મહુવા સુગર ફેક્ટરી, બામણીયા ખાતે ટેન્કરમાંથી ઈથેનોલ લિકેજ ઘટનાની મોકડ્રીલ યોજાઈ હતી. 
				  										
							
																							
									  
	 
	ઈથેનોલને ટેન્કરમાં લોડિંગ કરતી વખતે ઈથેનોલ લિકેજ થતા મેન્ટેનન્સ દરમિયાન સ્પાર્ક થવાથી આગ આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની ગંભીરતા અને ઈમરજન્સીને કાબૂમાં લેવા માટે કારખાનાની ફાયર એન્ડ સેફટી ટીમ દ્વારા કોશિશ કરવામાં આવી હતી. પરંતુ આગ બેકાબુ બનતા ઓફસાઈટ ઈમરજન્સી જાહેર કરાઈ હતી. મદદ માટે લોકલ ક્રાઈસિસ ગ્રુપને જાણ કરવામાં આવી હતી. 
				  
	 
	ત્યારબાદ ફાયર, પોલીસ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, આરોગ્ય વિભાગની ટીમો, એમ્બ્યુલન્સ સાથેની મેડિકલ ટીમ તત્કાલ ઘટનાસ્થળે પહોંચી હતી. સૌની સતર્કતા અને સંયુક્ત પ્રયાસોથી આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી. મોકડ્રીલમાં મહુવા અને બારડોલી મામલતદાર, સંયુક્ત નિયામક-ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી-સુરતના અધિકારીઓ, લોકલ ક્રાઈસિસ ગ્રુપના સભ્યો, મહુવા સુગર ફેક્ટરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.