સોમવાર, 6 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified બુધવાર, 29 ડિસેમ્બર 2021 (21:46 IST)

આગામી તા.૭ જાન્યુઆરીએ ૧૫ થી ૧૮ વર્ષના બાળક માટે રાજ્યભરમાં કોરોના રસીકરણની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન

પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ કે, આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ  પટેલને સુશાસન સ્પર્ધાની કમ્પિટિટિવ રેન્કમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ નંબરે આવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર દેશમાં સ્વ.અટલ બિહારી વાજપેઇના જન્મદિને સુશાસન દિનની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત સુશાસન સપ્તાહની ઉજવણી કરનાર ગુજરાત એક માત્ર અને પ્રથમ રાજ્ય છે.

પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યના છેવાડાના નાગરિકને પણ સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકારની યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી અને સત્વરે મળે તે માટે મુખ્યમંત્રીશ્રીએ દરેક વિભાગના મંત્રીશ્રીઓ અને અધિકારીશ્રીઓને સૂચના આપી છે. 
 
મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ કે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ આગામી સમયમાં ગ્રામ સ્થાપના દિવસની ઉજવણી કરવા સૂચન કર્યુ છે.  હવે રાજ્યના વિવિધ ગામોના સ્થાપના દિવસની સામૂહિક ઉજવણી કરવમાં આવશે. 
મંત્રીશ્રીએ કહ્યુ કે આગામી તા.૭ જાન્યુઆરી એ ૧૫ થી  ૧૮ વર્ષના બાળક માટે રાજ્યભરમાં કોરોના રસીકરણની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ છે તે માટે કેન્દ્રીય આરોગ્યમંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયાના સહયોગથી ૨૦ લાખ જેટલા વેક્સિનના ડોઝ ગુજરાતને પ્રાપ્ત થશે. રાજ્યના ૩૦ થી ૩૨ લાખ બાળકો ૧૫ થી ૧૮ વર્ષની વયના હોવાનો અંદાજ છે. તે તમામને રસીકરણ દ્વારા સુરક્ષિત કરવામાં આવશે. એટલુ જ નહિ. ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને આઇડેન્ટીફાઇ કરવા માટે ખાસ એક્સન પ્લાન બનાવી ઉચ્ચ અધિકારીશ્રીઓની કમિટિને ડેટા કલેક્શનની કામગીરી પણ સોંપી દેવામાં આવી છે. 
 
તે ઉપરાંત કોરોનાના કેસો પર નિયંત્રણ લાવવા ટેસ્ટીંગ અને કોન્ટેકટ ટ્રેસીંગ વધારવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે મળીને સમગ્ર સ્થિતિનું મોનીટરીંગ કરશે અને રાજ્યના નાગરિકોને કોરોનાથી સુરક્ષિત રાખવા તમામ જરૂરી પગલા લેવાશે. 
 
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વાપી ખાતે યોજાયેલ જુડો સ્પર્ધામાં ભાગ લઇ પરત ફરતા ખેલાડી-કોચને નડેલા  અકસ્માતની ઘટના અંગે રાજ્ય સરકારે સંવેદના વ્યકત કરી છે. અકસ્માતમાં ઇજા પામેલ વ્યક્તિઓની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે તેમ જણાવી અકસ્માતમાં મૃત્યુ પામેલા ૩ વ્યક્તિઓને પ્રત્યેકને રૂ. ૪ લાખની સહાય આપવાની તથા ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિઓને વ્યક્તિ દીઠ રૂ. ૫૦ હજારની સહાય આપવાની સંવેદનાસભર જાહેરાત પણ કરી છે.
 
મંત્રીશ્રીએ કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને પૂર્વ ઘડાયેલ કાયદાઓમાં જરૂરી ફેરફાર કરવા પણ મુખ્યમંત્રીશ્રીએ સૂચનો કર્યા છે