બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 ફેબ્રુઆરી 2022 (15:44 IST)

પૂરઝડપે આવી રહેલી ટ્રક કારને કચડી હોટલમાં ઘૂસી, એકનું મોત બેને ઇજા

ગુજરાતના બનાસકાંઠાના પાલનપુરમાં RTO ચાર રસ્તા પાસેની હોટલ સાથે ટ્રકની ટક્કરથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. હોટલની બહાર પાર્ક કરેલી કાર કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. ઘટનાના ચોંકાવનારા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. રાજસ્થાન તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે કોઈ કારણસર સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં ટ્રક હોટલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા.
 
પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાન તરફથી આવતી ટ્રકના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પાલનપુર આરટીઓ સર્કલ પાસે સવારની હોટલ સાથે અથડાઈ હતી. ટ્રકે હોટલની બહાર પાર્ક કરેલી બે કારને ટક્કર મારતાં તે કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. આ અકસ્માત હોટલ પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેમાં હોટલની બહાર બે કાર પાર્ક કરેલી જોવા મળે છે. બે કારને ટક્કર માર્યા બાદ પણ સ્પીડમાં આવતી ટ્રક રોકાઈ ન હતી અને હોટલમાં ઘુસી ગઈ હતી.
 
આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં હોટલને પણ ભારે નુકસાન થયું હતું. ખાસ વાત એ છે કે આ હોટલ અગાઉ પણ બે ટ્રક અકસ્માતનો ભોગ બની ચૂકી છે. આ ત્રીજો કિસ્સો છે. જણાવી દઈએ કે, બનાસકાંઠા જિલ્લામાં જ ગઈકાલે પાલનપુર-આબુ હાઈવે પર આવેલા બલરામ બ્રિજ પર બટાકા ભરેલા ટ્રેક્ટર અને સિમેન્ટ ભરેલા કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી.