રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 ફેબ્રુઆરી 2022 (12:43 IST)

23 માર્ચ સુધીમાં પાટીદારો સામેના કેસો પાછા નહીં ખેંચાય તો ફરી પાટીદાર આંદોલન થશેઃ હાર્દિક પટેલની સરકારને ચીમકી

પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા માટે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે નવી રણનીતિને લઈ હોટલમાં પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. એમાં તેમણે કહ્યું હતું કે જો 23 માર્ચ પહેલાં પાટીદારો સામેના કેસો પાછા નહીં ખેંચવામાં આવે તો ફરી પાટીદાર આંદોલન થશે. હાર્દિકે આગળ જણાવ્યું હતું કે લાંબા સમય બાદ સરકાર સમક્ષ વાત પહોંચાડવા માગું છું.

સરકારને વિનંતી છે કે ચેતવણી જે સમજવું હોય એ સમજે. નેતા કે પક્ષના આગેવાન તરીકે નહીં, પણ સમાજના આંદોલનકારી તરીકે હું આ કહેવા માગું છું. આંદોલન માત્ર પાટીદાર સમાજનું નહોતું, તમામ સમાજના લોકોને આંદોલનના લાભ મળ્યા છે. માર્ચ-2017 બાદ આનંદીબેન પટેલે કેસ પરત ખેંચવા કહ્યું હતું, કેસ પરત ખેંચવા સમાજના અગ્રણીઓ સાથે વાત કરી હતી. આનંદીબહેને 140 કેસ પરત ખેંચ્યા હતા. હાર્દિક પટેલે રૂપાણી સરકાર અંગે કહ્યું હતું કે વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા બાદ પાટીદારો વિરુદ્ધના કેસ પરત ખેંચાયા નથી. હજી ચારથી પાંચ હજાર પાટીદાર પર કેસ ચાલી રહ્યા છે.

ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ સમાજના આગેવાન નરેશ પટેલ સહિતના આગેવાનોએ રજૂઆત કરી હતી. અમે કેસો પરત ખેંચવા માટે આવેદન આપીશું. ધારાસભ્યો અને સંસદસભ્યોનું સમર્થન માગીશું. તેઓ નહીં આપે તો તેમના ઘરની બહાર ધરણાં કરીશું. હવે ભાજપની સરકાર સાથે વાર્તાલાપ કરવાનો કોઈ મતલબ જ નથી. મારા પર 32 કેસ છે. સરકાર સીધી આંગળીએ ઘી નહિ કાઢે.શહીદ થયેલા યુવાનોના પરિવારને સાથે રાખીશું. 23 માર્ચ સુધી નિર્ણય નહીં લેવાય તો અગાઉ જેવું આંદોલન ફરીથી થશે. પદ્માવતી ફિલ્મના વિરોધ સમયે જે કેસ થયા ત્યારે પ્રદીપસિંહ ગૃહમંત્રી હતા, જેથી કેસ પરત ખેંચવામાં આવ્યા હતા. રાજસ્થાનની અંદર અમારી સરકાર હતી ત્યારે ગુર્જર પર થયેલા કેસ પરત ખેંચ્યા છે. સમાજના યુવાનોને ઘરબાર છોડીને લોકો માટે આંદોલન કર્યું, તેમના કેસ પરત ખેંચો. ભાજપ ચૂંટણી નજીક આવતાં જ સમાજના માણસને મુખ્યમંત્રી બનાવે છે. બાબુ જમનાને પણ ચિંતા હોય તો સમાજ માટે રજૂઆત કરે અને ના સાંભળે તો તેઓ રાજીનામું આપે.

હાર્દિકે વધુમાં ઉમેર્યું કે અનેક સમાજના લોકોને લાભ મળ્યો છે, જેમાં OBC, SC, ST સમાજના યુવાનોને લાભ મળ્યો છે. અમારી લડાઈ સત્યના માર્ગે હતી. સી.આર પાટીલ પ્રો પાટીદાર પોલિટિક્સ કરવા માગે છે. જેના પર કેસ થયા તેઓ વિદેશ નથી જઈ શકતા, સરકારી નોકરી નથી મળતી, મારી પરના નહીં ખેંચો તો હું ઇલેક્શન નહીં લડી શકું. ચૂંટણી આવે એટલે ચર્ચા નથી કરી. 23 માર્ચ સુધીમાં સરકાર નિર્ણય કરે, નહીં તો સરકાર આંદોલન માટે તૈયાર રહે. સરકારે ડરાવવા અને ધમકાવવા માટે કેસ કર્યા છે. પોલીસ સારી હોય તો રાજકોટના કેસ તપાસો. રાજ્યમાં પાટીદાર સમાજને જાતિ અને ધર્મના વહેંચી ગુમરાહ કરવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ તરીકે રાજીનામું આપીને આંદોલન કરી શકું છું, સરકારથી ડરતો નથી. હાર્દિકે સમાજના પ્રમુખ અંગે કહ્યું હતું કે સમાજના પ્રમુખ ચર્ચા કરે ત્યારે સરકાર ના સાંભળે તો સમાજના પ્રમુખ કેમ કંઈ જ ના કરી શકે. કેટલાક લોકો ફાઈલ કે જમીન પાસ કરાવી આવે છે. સમાજના બે ભાગલા પડી ગયા છે. મારે રાજકારણ જ કરવું હોય તો કોંગ્રેસ ભવન પર પત્રકાર પરિષદ કરત, પરંતુ મેં ખાનગી જગ્યાએ પ્રેસ-કોન્ફરન્સ કરી છે. 1 માર્ચથી પાટીદાર યુવાનો ભાજપના ધારાસભ્યોને મળીને ગુલાબ આપીને સમર્થન માગીશું, નહીં મળે તો તેમના ઘરની બહાર ધરણાં કરીશું. કિશન ભરવાડના હત્યા મામલે VHP, બજરંગદળ બોલતું હતું, પરંતુ પાટીદાર પણ હિન્દુ છે તો તેમના મામલે કોઈ બોલતું નથી.

હાર્દિક પટેલે કોંગ્રેસ છોડનારા જયરાજસિંહ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પાર્ટીના નાનામાં નાનો કાર્યકર જાય કે મોટા નેતા જાય એ ચિંતાજનક છે. જયરાજ સિંહ ભાજપ વિરુદ્ધ બહુ બોલ્યા છે. જયરાજસિંહને કહીશ કે હવે સરકારને રોજગારી, શિક્ષણ વિશે જાણ કરે. જયરાજસિંહને એવું હતું કે 55 વર્ષની ઉંમર થઈ છે, હવે કોંગ્રેસ શું આપશે. સત્તાના ખોળામાં ના બેસવું જોઈએ, કારણ કે એનાથી તમે તાનાશાહી અને અપરાધીઓને મજબૂત બનાવો છો.