ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 21 ફેબ્રુઆરી 2022 (11:21 IST)

માતૃભાષા દિવસ - મા, માતૃભાષા અને માતૃભૂમિનો કોઈ વિકલ્પ નથી.

ડો. એ.પી.જે. અબ્દુલ કલામ કહેતા કે 'હું આજે વૈજ્ઞાનિક બની શક્યો છું, કારણ કે હું મારી માતૃભાષામાં ભણ્યો છું' વિશ્વમાં ટોચના મહાનુભાવોના તર્કબધ્ધ ઉદાહરણો સાથે છેલ્લા ૧૧ વર્ષની માતૃભાષાને બચાવવા માટે કાર્યરત રાજકોટના ડો. હર્ષદભાઈ પંડિતની ઉંમર ૭૦ વર્ષની છે પરંતુ જો તેની સમક્ષ ભાષા વિષેની વાત થાય એટલે તે યુવાન જેવી તાજગીથી મેદાનમાં આવી જાય છે.
 
આમ તો તે પશુપાલન વિભાગના જોઈન્ટ ડાયરેકટર હતા અને ક્લાસ વન અધિકારી તરીકે નિવૃત્ત થયા બાદ ધાર્યું હોત તો બીજી નોકરી પણ તૈયાર હતી અને નિરાંતે નિવૃતિ જીવન ગાળવું હોત તો પૂરતી રકમ પણ હાથમાં હતી પરંતુ તેમના મનમાં એક વિચાર ઘૂમરાતો હતો કે મારી આસપાસના અનેક બાળકોનું બાળપણના ઉછળકુદ કરવાને બદલે શા માટે આખ્ખો દિવસ ઉંધુ માથુ રાખીને ભણ્યા જ કરે છે? શા માટે તેના ચહેરા પર ઉલ્લાસને બદલે ટેન્શન રહેલું છે. તેમણે આ વિષય ઉપર ઊંડુ સંશોધન કરીને તર્ક કાઢયો કે માતૃભાષા પ્રત્યેનો મા-બાપનો ઘટતો લગાવ બાળકો ઉપર લાદવામાં આવે છે અને અંગ્રેજી પ્રત્યેની ઘેલછાને કારણે અભ્યાસની જે નૈસર્ગિક પ્રક્રિયા છે તે થતી નથી. હર્ષદભાઈ કહે છે કે અંગ્રેજી જરૃરી છે પરંતુ માધ્યમ તરીકે નહીં... વ્યવહારમાં અંગ્રેજીના ૯૦૦ શબ્દો જ જરૃરી છે. બાળક માતૃભાષામાં ભણે અને દરરોજ એક-એક અંગ્રેજી શબ્દ પાક્કો કરે તો તે ૯મા ધોરણમાં પહોંચે ત્યારે તેનું શબ્દ ભંડોળ ૨૦૦૦ શબ્દોનું થઈ જાય... તેમણે આવા જરૃરી શબ્દોની એક બુકલેટ પણ સ્વખર્ચે બનાવી છે.
 
હર્ષદભાઈ કહે છે કે શરૃઆતમાં મેં એક વિડીયો સીડી બનાવીને 'માતૃભાષામાં શિક્ષણ શા માટે?'ની વિશદ ચર્ચા છેડી એ પછી નાની નાની પુસ્તિકા બનાવી. સીડી અને પુસ્તિકાના પાંચ લાખ સેટ સાથે શરૃ થયેલા અભિયાનમાં મારા પેન્શનની રકમના ૧૦ લાખ વપરાઈ ગયા. પરંતુ મારા મનમાં એક જ વાક્ય ઘૂમરાતું હતું ''મા, માતૃભાષા અને માતૃભૂમિનો કોઈ વિકલ્પ નથી.'' હું લોકોને કહું છું કે જો તમે તમારા બાળકને કારકૂન નહીં પણ સર્જક બનાવવા માંગતા હો તો માતૃભાષામાં જ ભણાવો.
લોકો મારી વાત સાંભળે એવો તખ્તો તૈયાર થયો હતો પરંતુ અંગ્રેજીનો પ્રભાવ બહું અવ્યવહારૃ ઢબે છવાઈ ગયો હતો એટલે દેશમાં પ્રથમ વખત પોરબંદરથી બારડોલી સુધી 'માતૃભાષા યાત્રા' કાઢવામાં આવી જેમાં ૪૪ શહેરોમાં માતૃભાષા વિષે લોકોને સમજાવવામાં આવ્યા.
 
સતત ૧૧ વર્ષથી માતૃભાષા બચાવો મહા અભિયાન અંતર્ગત ડો. હર્ષદ પંડિત જે ગામમાંથી કહેણ આવે ત્યાં પોતાના ખર્ચે જાય છે, કદિ કોઈનું દાન લેતા નથી. આ ઉપરાંત તે દેશી ઔષધો થકી આરોગ્ય જાળવવા માટે 'તું જ તારો તારણહાર' કાર્યક્રમ પણ ચલાવે છે.
 
વેટરનરી સાયન્સમાં માસ્ટર ડીગ્રી ધરાવતા આ અલગારી સેવક કહે છે કે 'તું જ તારો તારણહાર'નું સાહિત્ય ત્રણ ભાષામાં છપાવવા બે લાખની લોન લીધી તે પ્રથમ ઉધારી... મારે કોઈ સંસ્થા બનાવવી નથી દાન ફાળો લેવા નથી. શૂન્યમાંથી આવ્યો છું. તન, મન, ધન શૂન્ય કરીને જવું છે. હર્ષદભાઈ કહે છે કે હું આજે પણ સાઈકલ ચલાવું છું. રોજ સ્નાનાગારમાં ૩૫ મિનીટ તરૃ છું, યોગ પ્રાણાયામ કરૃ છું, સીધુ સાદુ જીવન જીવું છું.
 
અગાઉ વનવાસી યુવકોને ૨૩ લાખના ખર્ચે ૧૫૦૦ સાઈકલ ભેટ આપનાર આ સેવાભાવી સમાજ સેવકનો એક જ મંત્ર છે 'અપને લીયે જીયે તો ક્યા જીયે.'