સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 જુલાઈ 2022 (17:31 IST)

લંડનના કોમનવેલ્થમાં ભાગ લેવા ધોરણ 10ના વિદ્યાર્થીને 4 કલાકમાં પાસપોર્ટ કાઢી અપાયો

passport in 4 day
સરખેજ સાર્વજનિક પ્રાથમિક શાળાના ધો.10માં અભ્યાસ કરતા પાર્થ નરેશકુમાર ભોઇની લંડન ખાતે કોમનવેલ્થમાં તલવારબાજીમાં પસંદગી થઇ હતી. સામાન્ય પરિવારના પાર્થ પાસે પાસપોર્ટ ન હોવાથી સ્કૂલના શિક્ષિકા સોનિયાબેન ત્રવાડીએ પાસપોર્ટ ઓફિસનો સંપર્ક કર્યો હતો. પાર્થ પાસપોર્ટના અભાવે કોમનવેલ્થમાં ભાગ ન લઇ શકતો હોવાથી અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસર રેન મિશ્રાએ ખાસ સંજોગોમાં તેનો પાસપોર્ટ તાત્કાલિક માત્ર 4 કલાકમાં કાઢી આપ્યો હતો.

સરખેજ સાર્વજનિક સ્કૂલના ધો. 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પાર્થ ભોઇને સ્પોર્ટસ ઓર્થોરિટી ગુજરાત દ્વારા સ્કૂલમાં તલવારબાજીની તાલીમ અપાતી હતી. છેલ્લા ત્રણ વર્ષથી તલવારબાજીની તાલીમ લેતા પાર્થે સ્ટેટ લેવલના ખેલ મહાકુંભમાં બ્રોન્ઝ મેડલ અને નેશનલ લેવલની ઉડિશા ખાતે આયોજિત સ્પર્ધામાં પણ બ્રોન્ઝ મેળવ્યા હતા.પાર્થની સારી કામગીરી જોઇને દિલ્હીના ફેન્સિગ એસો. ઓફ ઇન્ડિયા દ્વારા લંડનમાં આયોજિત કોમનવેલ્થ માટે પસંદગી કરવા ટ્રાયલ માટે બોલાવાયો હતો. 3 જુલાઇએ તેને આ ટ્રાયલમાં જવા માટે પાસપોર્ટ હોવો જરૂરી હતો, પરંતુ પાર્થ કે તેના માતા-પિતા પાસે પાસપોર્ટ ન હોવાથી તે લંડનના કોમનવેલ્થમાં ભાગ લઇ શકે તેમ નહોતો.આથી સ્કૂલનાં શિક્ષિકા સોનિયાબેને પાર્થના પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કરી તો તેમાં એપોઇન્ટમેન્ટ 18 જુલાઇની આવી હતી, પરંતુ પાર્થને 3 જુલાઇએ જવાનું હોવાથી પાસપોર્ટની તાત્કાલીક જરૂર હતી. સોનિયાબેને વિદ્યાર્થીને અને તેના પિતાને લઇને પાસપોર્ટ ઓફિસે જઇ આ અંગે રજૂઆત કરી હતી. વિદ્યાર્થીની કારકિર્દીને ધ્યાનમાં લઇને અમદાવાદ રિજનલ પાસપોર્ટ ઓફિસર રેન મિશ્રાએ ખાસ સંજોગોમાં તેનો પાસપોર્ટ માત્ર 4 કલાકમાં જ કાઢી આપ્યો હતો. પાસપોર્ટ કાઢી આપવાની આ કામગીરીમાં ઓફિસના અન્ય અધિકારીઓએ પણ મદદ કરી હતી.અમદાવાદના રિઝનલ પાસપોર્ટ ઓફિસર રેન મિશ્રાએ કહ્યું હતું કે, મારી પાસે વિદ્યાર્થી અને તેના શિક્ષિકા રજૂઆત લઇને આવ્યા હતા. ખૂબ સામાન્ય પરિવારમાંથી આવતા વિદ્યાર્થીનો ઉત્સાહ જોઇને મેં તેને પાસપોર્ટ આપવાનું નક્કી કરી લીધું હતું. આ અંગે મારા લેવલની તમામ કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરીને જેમાં મારા સ્ટાફે સારો સપોર્ટ આપ્યો અને અમે માત્ર ચાર કલાકમાં વિદ્યાર્થીને પાસપોર્ટ આપવામાં સફળ રહ્યાં. વિદ્યાર્થીએ જ્યારે તેનો પાસપોર્ટ જોયો ત્યારે તેની ખૂશીનો પાર રહ્યો ન હોતો.