બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ અડધી રાત્રે હોસ્ટેલના 10મા માળેથી કૂદી આપઘાત કર્યો
પાલનપુરના મોરીયા ગામે આવેલી બનાસ મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતો અરવલ્લીના ભિલોડાનો જતીન કિર્તીભાઇ દરજીએ મંગળવારે વહેલી સવારે પોણા 3 વાગે અગાશી ઉપર ચઢી 10મા માળેથી મોતની છલાંગ લગાવી હતી. આ અંગે પી.જે. ચૌધરીએ જણાવ્યું કે, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. જે ચોથા માળેથી 10મા માળે અગાશીમાં જતો જણાય છે અને ત્યાંથી નીચે પડે છે.રુમ પાર્ટનરે જણાવ્યું કે, રાત્રે સાથે વાંચતા હતા, ત્યારે હું બહાર જઇને આવું છું તેમ કહી રાત્રે પોણા ત્રણ વાગે રૂમની બહાર નીકળ્યો હતો.પરત ન આવતાં શોધખોળ કરતાં તેણે આપઘાત કર્યો હોવાનું જણાયું હતું. જતીનની પરીક્ષા ચાલુ હતી. પરીક્ષાના ટેન્શનમાં પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક અનુમાન છે.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.જતીનના પિતા કુવેતમાં છે. બહેનો સાસરીમાં છે. માતા એકલી વતનમાં હોઇ તેમને આઘાત લાગે નહીં તે માટે પાલનપુર બોલાવાયાં ન હતાં. દરમિયાન પાલનપુરના દરજી સમાજના લોકોએ પીએમ બાદ જતીનના મૃતદેહને વતનમાં મોકલાવી માનવતા નિભાવી હતી.જતીનની બીજા વર્ષની પરીક્ષા ચાલુ હતી. તે અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર હતો. તેનો મોબાઇલ જોતાં 4 તારીખથી કોઇનો ફોન રિવિસ કર્યો ન હતો. બધા મિસ કોલ આવેલા હતા.