AAP નેતા યુવરાજસિંહનો આક્ષેપ, ગુજરાતમાં ઉર્જા વિભાગની ભરતીમાં મોટું કૌભાંડ થયું
ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. પોલીસે 16 જેટલા લોકોની ધરપકડ કરી હતી. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે પત્રકાર પરિષદ યોજીને આ પેપરલીક કૌભાંડમાં આરોપી ભાસ્કર ચૌધરી અને કેતન બારોટે અન્ય પેપર પણ લીક કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
યુવરાજસિંહે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, કેતન બારોટ અરવલ્લીના આસપાસના વિસ્તારોમાં નામ ધરાવે છે. અરવલ્લી આસપાસના વિસ્તારોની મોટાભાગની લિંકો તેની સાથે સીધી રીતે સંકળાયેલી છે. તેમાં ખાસ કરીને કેતન બારોટનું મોસાળ નરસિંહપુર છે અને નરસિંહપુરમાં તેમની મુલાકાત અવિનાશ પટેલ સાથે થઈ હતી. આ અવિનાશ પટેલ ભૂતકાળની ઘણી પરીક્ષાના પેપર લીકમાં સીધો સંકળાયેલો છે. તેમના ધર્મપત્ની, તેમના બહેન અને સંબંધીઓ પણ ઊર્જા વિભાગની ભરતીમાં કૌભાંડથી લાગ્યા છે. તેમના પત્નીનું સર્ટિફિકેટ પણ નકલી છે જે ભાસ્કર ચૌધરી પાસેથી મેળવ્યું છે.યુવરાજસિંહે કહ્યું હતું કે, અમારા ડેટા પ્રમાણે અવિનાશ સાથે અરવિંદ પટેલ, અજય પટેલ અને દેવ પટેલ, આ લોકોએ ઊર્જા વિભાગની ભરતીમાં ઓછામાં ઓછા 300થી વધુ લોકોને સિસ્ટમેટિક રીતે નોકરીએ લગાડ્યા છે. જેની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવતી અને આ ભાસ્કર ચૌધરીની સ્ટેક વાઈઝ ટેકનોલોજી નામની ઈન્સ્ટીટ્યુટ હતી. જેમાં અવિનાશે 70-80 લાખનું ફંડિંગ કરેલું છે. અવિનાશની નરસિંહપુરમાં આવેલી PNB બેંકનો ડેટા તપાસતા તમામ વિગતો સામે આવી જશે. યુવરાજ સિંહે વર્ષ 2014 પછી લેવામાં આવેલી સરકારી પરીક્ષાની પણ તપાસ કરવા જણાવ્યું હતું. ભૂતકાળમાં લીક થયેલા પેપર મામલે જે આરોપીઓ હતા તેમના જ સંપર્કમાં રહેલા વ્યક્તિઓએ અન્ય પેપર ફોડ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. બધાની ઉપર નિશિકાંત સિંહા નામના રાજકીય વગ ધરાવતા વ્યક્તિનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. જે ભાસ્કર ચૌધરી અગાઉ તિહાડ જેલ ગયા હતા, જેને ત્યાંથી છોડાવનાર નિશિકાંત સિંહા છે. તેની પણ તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ.