સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 17 નવેમ્બર 2023 (15:32 IST)

અમદાવાદ સિવિલમાં દિવાળીના પાંચ દિવસમાં 12 હજાર જેટલા દર્દીઓને સારવાર અપાઈ

civil hospital
પ્રકાશના મહાપર્વ દિવાળીમાં જ્યાં સમગ્ર દેશ ખુશીયોના માહોલમાં સમગ્ર પરિવારજનો સાથે ઉજવણી કરી રહ્યું હતુ ત્યાં બીજી તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સેવા-સુશ્રુષા અને સુપેરે સારવાર કરીને આ તહેવારની ઉજવણી કરી. 
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્વાસ્થ્ય કર્મીઓએ સમગ્ર પરિસરમાં સ્વાસ્થ્યની જાગૃકતાને લગતા સંદેશા આપતી નયનરમ્ય રંગોળી કરીને હોસ્પિટલના વિવિધ વોર્ડ્સને સુશોભિત કરી અને દર્દીઓ સાથે દિવાળી મનાવી.
10 મી નવેમ્બર થી 15 નવેમ્બર દિવાળીના આ સમયગાળા દરમિયાન અંદાજીત 9,000 જેટલા દર્દીઓએ ઓ.પી.ડી. સેવાનો લાભ લીધો. 
દિવાળીના તહેવાર દરમિયાન 3,000થી વધારે લોકોએ ઈમરજન્સી ઓ.પી.ડી.નો પણ લાભ લીધો હતો. જેમાંથી 1400 જેટલા દર્દીઓને દાખલ કરીને સારવાર આપવાની ફરજ પડી હતી. 
આ દર્દીઓમાંથી માત્ર 30 લોકોને ફટાકડાથી દાઝી જવાથી હોસ્પિટલ આવવું પડ્યું જેમાંથી પાંચ દર્દીને દાખલ કરવાની ફરજ પડી હતી. 
સિવિલ હોસ્પિટલમાં આ પાંચ દિવસોમાં 5,000થી વધારે X-RAY , 200 CT SCAN, 50 થી વધારે MRI અને 1500 જેટલા દર્દીઓની સફળ  સોનોગ્રાફી કરવામાં આવી. 
દિવાળીના પર્વમાં સિવિલ હોસ્પિટલના તબીબોએ ફરજનિષ્ઠાનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત કરતા 650 જેટલી મેજર અને માઇનોર સર્જરી સફળતાપૂર્વક પાર પાડી. 
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશી એ જણાવ્યું હતું કે,પ્રકાશના આ મહાપર્વમાં પીડિતને પીડામુક્ત કરવું એ જ સિવિલ હોસ્પિટલના તબીબોનો ધ્યેયમંત્ર રહ્યો છે. જેને સર્વે લોકોએ એકજૂટ થઇને સુપેરે નિભાવીને માનવતા સાથે કર્તવ્યનિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.