બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 નવેમ્બર 2023 (15:09 IST)

અમદાવાદમાં બે-પાંચ ટકા ગુના વધે તો ફર્ક નથી પડતો કહેનાર પોલીસ કમિશ્નરની હાઈકોર્ટે ઝાટકણી કાઢી

gujarat police
અમદાવાદ શહેરમાં તાજેતરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર તાજેતરમાં ગોળી મારીને થયેલી આત્મહત્યાની ઘટના બાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિક ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને ત્યાં જ તેમણે નિવેદન આપ્યું હતું કે, શહેરમાં ગુનાખોરી કાબુમાં છે અને બે પાંચ ટકા ગુનાઓ વધે તો કોઈ ફર્ક પડતો નથી અને તેનાથી ગભરાવાની જરૂર નથી.

શહેરમાં ગુનાઓ નોંધાય છે તો પોલીસ તેને ઉકેલવામાં પણ સફળ રહી છે. પોલીસ કમિશ્નરના આ નિવેદનની હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. કોર્ટે આજે રખડતા ઢોર અંગે થયેલી સુનાવણીમાં પોલીસ કમિશ્નરની બરાબરની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, તેમણે આ પ્રકારનું નિવેદન ના આપવું જોઈએ. અમદાવાદ શહેરમાં રખડતાં ઢોર, ખરાબ રસ્તા અને ટ્રાફિક મુદ્દે ચાલી રહેલી સુનાવણીમાં પોલીસે સોગંદનામું રજૂ કર્યું હતું.

જેમાં જણાવવામાં આવ્યું હતું કે, શહેરમાં દરેક ઝોનમાં અસામાજિક તત્વો સામે એક્શન લેવા માટે પુરતો પોલીસ સ્ટાફ ફાળવવામાં આવ્યો છે જેમાં દરેક ઝોનમાં 1 પીએસઆઈ અને 11 પોલીસ કર્મચારી ફાળવાયા છે. તે ઉપરાંત પોલીસ કમિશ્નર સાથે ચર્ચાઓ કરીને જરૂરી નિર્દેશો પણ આપી દેવામાં આવ્યાં છે. પોલીસ સતત મોનિટરિંગ કરશે અને શહેરમાં ટ્રાફિકનું કામ પણ ખંતપૂર્વક કરશે.કોર્ટે ઢોર પાર્ટી પર હૂમલો કરતાં લોકોનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, આ પ્રકારના હૂમલા થાય ત્યારે પોલીસ શું કરે છે. પોલીસ પાસે પાવર હોવો જોઈએ, 100 નંબર ડાયલ કરતા પોલીસને ઘટના સ્થળે પહોંચતા વાર લાગે ત્યારે AMCના કર્મચારીઓને સ્થળ ઉપર જ પૂરતી સુરક્ષા આપવી જોઈએ. કોર્ટે કહ્યું કે, મહાનગરપાલિકાઓની જેમ રાજ્યમાં નગરપાલિકાઓમાં પણ આ સમસ્યાઓના નિકાલ માટે વ્યવસ્થાઓ કરવામાં આવે. એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, AMCના CNCD વિભાગ પાસે 56 પોલીસ કર્મચારી, જેમાં 3 PI અને 2 PSI તેમજ 1 SRP કંપની છે. જ્યારે AMC પાસે CNCD વિભાગમાં 110 પ્રાઈવેટ સિક્યોરિટી કર્મચારી છે, વધુમાં 84 પોલીસ કર્મચારી અને 7 PSI CNCD અને દબાણ વિભાગ પાસે છે. CNCD વિભાગ સિવાય AMC પાસે 2 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ સિક્યોરિટીમાં, તેમજ માગ પ્રમાણે AMCને કામગીરી માટે સિક્યોરિટી અપાઈ છે.