1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 નવેમ્બર 2023 (14:51 IST)

અમદાવાદ સિવિલમાં 11 મહિનાનું બાળક તાવથી તડપતું હતું, ડોક્ટર તપાસવા ન આવ્યા, મોત નિપજયુ

civil hospital
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેના કારણે 11 માસના એક માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. બાળકને ઓપરેશન માટે જૂનાગઢથી સિવિલમાં લવાયો હતો, પરિજનોને આરોપ છે કે કલાકો વીતી જવા છતાં તબીબો જ ન આવ્યા અને આખરે સારવારના અભાવે બાળકનું મોત થઈ ગયું.જૂનાગઢના મેંદરડા નજીક સમઢિયાળા ખાતે રહેતા નરસિંહ પરમારના 11 મહિનાના પુત્ર માહિરને સિવિલમાં 1200 બેડ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અહીં 6 નવેમ્બરે તેનું ઓપરેશન થયું. જોકે ઓપરેશનના કલાકોમાં જ તેને તાવ આવવા લાગ્યો.

પરિજનોનો આરોપ છે કે, ફરજ પરના નર્સને તાવ વિશે કહેતા જાતે તાવ માપી લેવા માટે કહ્યું. પરિવારે વારંવાર ડોક્ટરને બોલાવવા માટે વિનંતી કરી. પરંતુ સાંજે 6 વાગ્યા સુધી કોઈ ડોક્ટર ન આવ્યા અને બાળકનું મોત થઈ ગયું.બાળકના મોત બાદ સિવિલના સુપ્રીટેન્ડન્ટ સમક્ષ જવાબદારો સામે પગલા ભરવા માટે માંગ કરી છે.

પરિવારની ફરિયાદ બાદ સમગ્ર પ્રકરણની તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. પરિજનોનો આરોપ છે કે, ઓપરેશન સમયે બાળકના પેટમાં કાણા પાડવામાં આવ્યા હતા. પરિવારે સીસીટીવી કેમેરામાં તપાસ કરવાની માંગ કરી છે. બાળકના મોતથી સિવિલમાં ભારે હોબાળો મચ્યો હતો.