શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 ડિસેમ્બર 2021 (10:14 IST)

એસિડ એટેક પીડિતાની 27 સર્જરી બાદ એક આંખ ખૂલી, હવે બીજાનાં રક્ષણ માટે અધિકારી બનવા ફરી અભ્યાસ શરૂ કર્યો

રાજ્યમાં વડનગરના શેખપુરના હાર્દિક પ્રજાપતિ નામના એક યુવકે એકતરફી આકર્ષણમાં મહેસાણાની નાગલપુર કોલેજની બહાર આવી રહેલી કાજલના ચહેરા ઉપર તું મારી નહીં તો કોઈની નહીં થવા દઉં તેમ કહી એસિડ ફેંક્યો હતો. જેમાં તેણીનો આખો ચહેરો બળી ગયો હતો. બાદમાં એસિડ એટેક કરનાર યુવકને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. એસિડ એટેકનો ભોગ બનેલી મહેસાણાની કાજલ મહેન્દ્રભાઇ પ્રજાપતિ (23)નો હિંમત અને જુસ્સાભર્યો ચહેરો સામે આવ્યો છે. આજથી પોણા 6 વર્ષ પૂર્વે એકતરફી આકર્ષણમાં એક યુવકે કોલેજની બહાર એસિડ ફેંકી તેણીનો ચહેરો બગાડી નાખ્યો હતો. દીકરીની આવી હાલત જોઇ એક તબક્કે પરિવાર સાવ હતાશ થઈ ગયો હતો. પરંતુ કાજલની હિંમત હવે રંગ લાવી રહી છે. અત્યાર સુધી ચહેરા અને આંખની નાની-મોટી 27 જેટલી સર્જરી થઇ ચૂકી છે. 6 મહિના પહેલાં ઓપરેશન બાદ તેની ડાબી આંખ થોડી ખુલવા લાગી છે. જેને લઇ તે હવે લખી-વાંચી શકે છે. ભણવાની ઇચ્છાશક્તિને લઇ નાગલપુર કોલેજમાં કોમર્સમાં ફરી પ્રવેશ અભ્યાસ શરૂ કર્યો છે. કાજલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, મારી ઈચ્છા ભણી-ગણીને પોલીસ ઓફિસર બનવાની હતી. પરંતુ આ સ્થિતિમાં હવે પોલીસ તો નહીં બની શકું. પરંતુ મારા જેવી બીજી છોકરીઓનું રક્ષણ કરી શકું તેવા અધિકારી બનવાની છે.કાજલ મહેસાણાને અડીને આવેલા રામોસણા ગામમાં રહે છે. પિતા રિક્ષા ચલાવે છે અને માતા ઘરકામ બાદ મજૂરી કરી પરિવારને મદદરૂપ બને છે. દીકરીની સારવાર પાછળ અત્યાર સુધીમાં રૂ.15 થી 17 લાખનો ખર્ચ થઇ ચૂક્યો હોઇ પરિવાર આર્થિક રીતે ઘસાઈ ચૂક્યો છે. કાજલની માતા ચંદ્રિકાબેને કહ્યું હતું કે,  તેની સારવાર પાછળ ખૂબ ખર્ચો થયો. સરકાર તરફથી થોડી સહાય મળી હતી. જે-તે સમયે સરકારી નોકરીનું કહ્યું હતું. કોણે કહ્યું હતું તે ખબર નથી. પણ તેને કોઇની સામે હાથ લંબાવો ન પડે તે માટે સરકાર તેને સરકારી નોકરી આપે તો સારું. હવે તે એક આંખે જોઈ શકે છે. તે ભણવામાં હોંશિયાર છે. ધો.12માં 65 ટકા આવ્યા હતા. તેને આગળ ભણવાની ઈચ્છા છે. અમે મજૂરી કરીને પણ તેને જ્યાં સુધી ભણવું હશે ત્યાં સુધી ભણાવીશું.