પાટીદારોને ખુશ કરવાએક્શન પ્લાન, PM મોદી હવે ખોડલધામમાં ચઢાવશે ધજા
પીએમ મોદી પાટીદારોને ખોડલધામ ધજા ચડાવવા આવી શકે છે. સૌરાષ્ટ્રની 22 બેઠકો પર લેઉવા પાટીદારોનું પ્રભુત્વ છે, ત્યારે પાટીદારોને ખુશ કરવા માટે પીએમ મોદી લેઉવા પાટીદાર અગ્રણી સાથે ખોડલધામમાં મુલાકાત કરી શકે છે. 31 ઓક્ટોબરની આસપાસ પ્રધાનમંત્રી ખોડલધામ આવે તેવી શકયતા છે. ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, રમેશભાઈ ટીલાળા સહિતના અગ્રણીઓ પ્રધાનમંત્રીને આમંત્રણ આપવા માટે આ અઠવાડિયામાં જશે. ટુંક સમયમાં પ્રધાનમંત્રી ખોડલધામ આવી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હવે ગમે ત્યારે જાહેર થઈ શકે છે, ત્યારે રાજ્યમાં સતત કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા વધી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખોડલધામમાં ધજા ચડાવવા માટે આવે તેનું નિમંત્રણ આપવા માટે ખુદ નરેશ પટેલ અને રમેશ ટીલાળા જશે. પીએમ ખોડલધામમાં લેઉવા પાટીદાર અગ્રણીઓ સાથે મુલાકાત પણ કરી શકે છે.
નોંધનીય છે કે, PM મોદી છેલ્લા 3 દિવસથી ગુજરાતના પ્રવાસે હતા. જે અંતર્ગત તેઓએ રાજ્યમાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે પાટીદારોના મતદારોની ચર્ચા થવા લાગે છે. જ્યારથી ગુજરાતની કમાન ભૂપેન્દ્ર પટેલના હાથમાં સોંપવામાં આવી છે ત્યારેથી ભાજપ દ્વારા ગુજરાતના પાટીદારોને રીઝવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 100ના આંકડાને પણ પાર કરી શકી નહોતી, તેનું મુખ્ય કારણ પાટીદારોની નારાજગી હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. આવી સ્થિતિમા જો આ વખતે સારી જીત મેળવવી હોય તો પાટીદારોને ફરી ભાજપ તરફ કરવા જરૂરી છે.