ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 જાન્યુઆરી 2022 (12:11 IST)

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ - રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇને ઝાપટાંની શક્યતા, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇને ઝાપટાંની શક્યતા છે, પરંતુ 23 જાન્યુઆરીથી એક અઠવાડિયા દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડવાની શક્યતા છે, જેથી ફરીથી રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. એમાંય અમદાવાદમાં ઠંડીનો પારો 9 ડીગ્રી નીચે જવાની શક્યતા છે. વાતાવરણમાં પલટો આવવાને કારણે પરોઢિયેથી જ અમદાવાદમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. રસ્તા પર વાહનચાલકોને ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતાં વાહન ચલાવવમાં તકલીફનો સામનો કરવો પડ્યો છે. વાહનચાલકોએ વાહનની લાઈટો ચાલુ કરવી પડી હતી.
 
23 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે
હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ 23 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે તેમજ અમદાવાદનું લઘુતમ તાપમાન 9.0 ડીગ્રીથી નીચે ગગડવાની શક્યતા છે તેમજ બેથી ત્રણ દિવસો ઠંડીનો પારો 7થી 8 ડીગ્રી પહોંચવાની શક્યતા હોવાથી રેકોર્ડબ્રેક ઠંડી પડી શકે છે. જ્યારે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મહત્તમની સાથે લઘુત્તમ તાપમાન ગગડતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળશે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડવાની પ્રબળ શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આગામી બે દિવસ આકાશમાં વાદળોનું પ્રમાણ વધતાં ગરમી વર્તાશે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ વાદળો હટતાં આકાશ સ્વચ્છ થતાં ઠંડા પવનો સીધા જમીન પર આવશે, જેને કારણે અચાનક તાપમાનમાં ઘટાડો થતાં કાતિલ ઠંડી પડશે.