શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 14 ઑગસ્ટ 2021 (15:23 IST)

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ઊભેલી ટ્રક સાથે બસ અથડાઈ, 32ને ઇજા, બેની હાલત ગંભીર

સમગ્ર રાજ્યમાં અકસ્માતનોનું પ્રમાણ વધી રહ્યું છે. શનિવારે વહેલી સવારે અમદાવાદ-ઈન્દોર હાઈવે પરના કઠલાલ પાસેના અનારા ગામ નજીક એક અકસ્માત સર્જાયો છે. જોકે આ ગમખ્વાર અકસ્માતમાં કોઈના મૃત્યુ થયા નથી, પરંતુ બસમાં બેઠેલા આશરે 32 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જે પૈકી એક મહિલા અને બસના કંડકટરની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડ્યાં હોવાનું પોલીસસૂત્રો તરફથી જાણવા મળે છે.ખેડા જિલ્લાના કઠલાલ પંથકમાંથી અમદાવાદ-ઈન્દોરને જોડતો હાઈવે પસાર થાય છે. આ વિસ્તારના અનારા ગામ નજીક આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં જામનગરથી ઝાલોદ જતી એસટી બસ નં. GJ 18 Z 3754ના ચાલકે આગળ ઊભી રહેલી એક ટ્રક સાથે પોતાની બસનો અકસ્માત કર્યો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બસની ખાલી સાઈડનું પડખું ચીરાઈ ગયું હતું, જેને કારણે બસમાં સવાર લગભગ 40થી વધુ પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.આ અકસ્માતમાં 32 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ થતાં તમામને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જે પૈકી બસના કંડકટર અને એક મુસાફર મહિલાની સ્થિતિ ગંભીર બનતાં અમદાવાદ ખાતે લઇ જવામાં આવ્યાં છે. બનાવની જાણ કઠલાલ પોલીસને કરવામાં આવતાં પોલીસે સ્થળ પર પહોંચી ફરિયાદ લેવાની કામગીરી હાથ ધરી છે. આ અકસ્માતમાં હાલ સુધી કોઈના મૃત્યુના સમાચાર સામે આવ્યા નથી. અકસ્માત બાદ ક્રેન મારફત બસને ટ્રકના પડખામાંથી બહાર કાઢવામાં આવી હતી.