શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 જૂન 2018 (15:24 IST)

નરોડા પાટીયા કેસમાં ગુજરાત હાઈકોર્ટે 3 દોષિતોને 10 વર્ષની સજા ફટકારી

ગુજરાત હાઇકોર્ટે નરોડા પાટિયા કેસમાં ત્રણેય દોષિતને 10 વર્ષની કેદની સજા ફટકારી છે. હાઈકોર્ટે પીજે રાજપૂત, રાજકુમાર ચૌમલ અને ઉમેશ ભરવાડને 10 વર્ષની કેદની સજા આપી છે.વર્ષ 2002ના ગોધરાકાંડ બાદ સર્જાયેલ કોમી રમખાણોમાં અમદાવાદમાં નરોડા પાટીયા કાંડ સર્જાયો હતો. જેમાં 97 લોકોના મોત થયા હતા. આ કેસમાં નીચલી કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, ત્યાર બાદ એપ્રિલમાં હાઇકોર્ટે 14 આરોપીઓને દોષિત અને 11ને નિર્દોષ જાહેર કર્યા હતા. જેમાં હાઈકોર્ટે 3 આરોપી ઉમેશ ભરવાડ, રાજકુમાર ચૌમાલ અને પીજે રાજપૂતને નિર્દોષમાંથી દોષિત જાહેર કર્યા હતા. હાઈકોર્ટમાં આ ત્રણેય દોષિતોની સજા પર હાઇકોર્ટમાં બંને પક્ષો દ્વારા કલાકો સુધી ધારદાર દલીલો કરવામાં આવી હતી. ત્યાર બાદ કોર્ટે આજે સજાની જાહેરાત કરી હતી.કોઈ સાક્ષીએ રાજુ ચૌમલ, પીજે રાજપૂત અને ઉમેશના નામ ન લેતા નીચલી કોર્ટે મુક્ત કરી દીધા હતા. પરંતું હાઈકોર્ટમાં પોલીસવાળાઓએ આ ત્રણેયની ભૂમિકા જણાવતાં તેમને દોષી ઠેરવીને સજા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસને આગ લગાડવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં હિંસા ભડકી ઉઠી હતી. તેના એક દિવસ પછી અમદાવાદના નરોડા પાટિયામાં ૯7 લોકોની હત્યા કરવામાં આ‌વી હતી અને તેમાં ૩૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ગોધરા કાંડ બાદ વિશ્વ હિન્દુ પરિષદે બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન નરોડા પાટિયામાં ભીડ હિંસક બની હતી અને લઘુમતી સમુદાયના લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો.