ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified ગુરુવાર, 7 જાન્યુઆરી 2021 (16:50 IST)

અમદાવાદની નિરક્ષર મહિલાએ કર્યું, બ્રેઈનડેડ પતિના 3 અંગો ડોનેટ કરી 3 લોકોને નવજીવન બક્ષ્યું

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બનેલા એક હૃદયસ્પર્શી બનાવમાં સ્ટૅટ ઑર્ગન ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO) હેઠળ એક નિરક્ષર બહેને તેના બ્રેઇનડેડ પતિના અંગોનું ૩ દર્દીઓને દાન કર્યું છે. સમાજના ભણેલા-ગણેલા, સમજદાર - શિક્ષિત અને સાધનસંપન્ન લોકોનું માથું પણ શરમથી ઝૂકી જાય તેવું માનવસેવાનું આ ઉદાહરણીય અને ઉમદા કાર્ય આવનારા લાંબા સમય સુધી અન્ય કેટલાય લોકો માટે પ્રેરણાસ્રોત બની રહેશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. મૂળ ધોળકા સ્થિત બદરખા ગામના વતની અને અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા 48 વર્ષીય શૈલેષ પટેલનો 2જી જાન્યુઆરીના રોજ નરોડા પાસે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર ઇજા થતા તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ તાત્કાલિક સારવાર કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતાં. અહીંના તબીબોએ તેમની સારવાર કરીને જીવ બચાવવાના તમામ પ્રયાસો કર્યા પરંતુ અંતે તેઓ બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. શૈલેષભાઇના પત્ની રેખાબેન નિરક્ષર છે અને તેમનું દસ વર્ષીય બાળક સ્પેશિયલ ચાઇલ્ડ છે, તેમજ એક દીકરી સાક્ષી ઘોરણ 10માં અભ્યાસ કરે છે. આવા કપરા સમય અને કપરી પરિસ્થિતિમાં પણ રેખાબહેને મક્કમતાથી કામ લીધું અને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત SOTTO હેઠળ પતિના અંગોનું અંગદાન કરવા માટે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા વિગતવાર સમજણ આપવામાં આવ્યા બાદ રેખાબહેને પતિના અંગોનું દાન કરવાનો માનવસેવાની મિશાલ સર્જનારો નિર્ણય લીધો.શૈલેષ પટેલ બ્રેઇન ડેડ જાહેર થતા તેમના પરિવારજનોએ ગામમાં રહેતા તેમના કુટુંબ સાથે પણ ચર્ચા -વિચારણા કરીને અંગદાન માટે સહમતિ દર્શાવી હતી. તેમના પરિવાર દ્વારા લેવાયેલા અંગદાનના નિર્ણયને બદરખા ગામના સમગ્ર ગ્રામજનોએ આવકાર્યો અને બિરદાવ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે નવનિર્મિત ઓપરેશન થિયેટરના રીટ્રાઇવ સેન્ટરમાં અંગદાનની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. શૈલેષ પટેલના પરિવારજનો કહે છે કે, શૈલેષભાઇનું જીવન ખૂબ જ સંધર્ષમય રહ્યું છે. સમગ્ર જીવનકાળ દરમિયાન તેઓ જનઉપયોગી કાર્યો કરતા રહ્યા. અમારા સમગ્ર કુટુંબીજનો દ્વારા શૈલેષભાઇના અંગદાન થકી તેઓને સમાજઉપયોગી બનવા અને અન્યના શરીરમાં જીવંત રાખવા અન્યની કાર્યદક્ષતા સુધારવા ઉપયોગી બનવા નિર્ણય કરવામાં આવ્યો હતો. અમારા બદરખા ગામ અને સમાજ માટે શૈલેષભાઇ જતા જતા પણ પ્રેરણારૂપ બની રહ્યા છે.શૈલેષભાઇના અંગદાન થકી પોરબંદરના 10 વર્ષીય બાળકને કિડની, અમદાવાદના 22 વર્ષીય જરૂરિયાતમંદ દર્દીને કિડની અને સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના 52 વર્ષીય અત્યંત જરૂરિયાતમંદ દર્દીને લીવરનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. શૈલેષભાઇના શરીરના અંગોના પ્રત્યારોપણ કરીને આ ત્રણેય દર્દીને નવજીવન બક્ષવામાં આવ્યું છે. તેમની બે આંખોની અમદાવાદ મંજુશ્રી કંપાઉન્ડ સ્થિત આંખની હોસ્પિટલમાં સંગ્રહ રાખવામાં આવી છે. જરૂરિયાત પ્રમાણે તેની પણ પ્રત્યારોપણ કરવામાં આવશે. નિરક્ષર રેખાબહેનના આ ઉમદા નિર્ણયથી આવનારા સમયમાં આ ત્રણેય દર્દીઓની જીવનની ગુણવત્તામાં વધારો થશે. અંગદાનની તીવ્ર જરૂરિયાત ધરાવતા આવા જરૂરિયાતમંદ દર્દીઓ પણ સામાન્ય માણસની જેમ ખુશીથી જીવી શકે તે માટે ગુજરાત સરકારે સ્ટૅટ ઑર્ગન ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (SOTTO) હેઠળ બ્રેઇનડેડ થયેલા દર્દીઓના અંગોનું દાન મેળવીને જરૂરિયાતમંદ દર્દીઓમાં તેનું પ્રત્યારોપણ કરાવીને તેમને ખુશહાલ જીવન પ્રદાન કરવાનો માનવ સેવાનો યજ્ઞ છેડ્યો છે અને હવે આ પ્રયાસોના સુંદર પરિણામ પણ મળવા લાગ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં 10 દિવસમાં SOTTO અંતર્ગત બે વ્યક્તિના અંગદાનમાં સફળતા મળી છે, જેના થકી 4 લોકોમાં અંગોનું પ્રત્યારોપણ થયું છે. ઉલ્લેખનીય છે કે કોઇ પણ વ્યક્તિના અંગોનું દાન મેળવતા પૂર્વે વિવિધ ટેસ્ટની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા અનુસરવાની હોય છે. આ પ્રક્રિયા બાદ જ અંગોનું દાન થઈ શકે છે. આ કારણોસર છેલ્લાં 10 દિવસમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલે જે સફળતા મેળવી છે તે તબીબી વિજ્ઞાનની નજરે નોંધપાત્ર કહી શકાય છે. સિવિલ સુપ્રીન્ટેન્ડેટ ડૉ.જે.વી.મોદી કહે છે કે સંવેદનશીલ રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિના સતત અને પ્રેરણારૂપ માર્ગદર્શન હેઠળ છેલ્લા 10 દિવસમાં SOTTO અંતર્ગત અંગદાનની જવલંત સફળતા મળી છે. રિટ્રાઇવલ સેન્ટર શરૂ થયાના ખૂબ જ ટૂંકા ગાળામાં સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ દ્વારા અંગદાનની પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે.