અમદાવાદમાં ૩૧મી ડિસેમ્બરની ઉજવણીમાં દારૂની રેમલછેલ અટકાવા માટે પોલીસનો એકશન પ્લાન
ગુજરાતમાં ૩૧મી ડિસેમ્બરની ઉજવણી કરવા માટે યુવાનો થનગની રહ્યાં છે. બીજી તરફ બુટલેગરો પણ ૩૧મી ડિસેમ્બરની પાર્ટીઓમાં દારૂની રેલમછેલ કરવા પ્રયાસો કરી રહ્યાં છે. ત્યારે પોલીસે ૩૧મી ડિસેમ્બરે પાર્ટીઓ ઉપર નજર રાખવા તથા દારૂની મહેફીલો ઉપર ત્રાટકવા માટે પોલીસ સજ્જ બની છે તેમજ એકશન પ્લાન તૈયાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં ૩૧મી ડિસેમ્બરની યુવાનો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તેમ જ કેટલાક યુવાનો વિદેશી દારૂનો નશો કરીને છાકટા બનતા હોય છે. શહેરના છેવાડે આવેલા ફાર્મ હાઉસો અને પાર્ટી પ્લોટોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે.
શહેરમાં ૩૧મી ડિસેમ્બરની ઉજવણીમાં દારૂની રેલમછેલ કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. નવા વર્ષની આગલી રાત એટલે કે ૩૧મી ડિસેમ્બરે શહેરમાં અનેક જગ્યાએ પાર્ટી યોજાશે. ડીજે પાર્ટી તો ઠીક પણ લોકો દારૂની પાર્ટી પણ કરતા હોય છે. જેને લઈને પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. આ વખતે હવે પોલીસ સોશિયલ મીડિયા દ્વારા આ પ્રકારની ગતિવિધિઓ પર નજર રાખી કાર્યવાહી કરાશે. પોલીસ ૩૧મી ડિસેમ્બર માટે સજ્જ છે અને પોલીસે એકશન પ્લાન પણ ઘડી કાઢ્યો છે. શહેરના પશ્ર્ચિમ વિસ્તારમાં વાત કરીએ તો પોલીસ બે વિસ્તારમાં ખાસ ધ્યાન રાખશે. એક તો એસજી હાઈવે અને બીજો સીજી રોડની આસપાસનો વિસ્તાર. આ ઉપરાંત કોઈ હાઇપ્રોફાઇલ દારૂ કે અન્ય નશાકારક પાર્ટી યોજાશે તો તેની પર પણ પોલીસ બાજ નજર રાખશે. ત્યારે પૂર્વ વિસ્તારની વાત કરીએ તો પૂર્વ વિસ્તારમાં ભલે ડીજે પાર્ટી નથી યોજાતી, પણ ત્યાં લોકો રોડ પર નીકળીને ઉજવણી કરતા હોય છે. જેને લઈને પૂર્વની પોલીસે પણ પોતાનો એકશન પ્લાન ઘડી નાખ્યો છે.