મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 ઑગસ્ટ 2019 (15:07 IST)

અમદાવાદમાં મેઘરાજાએ પાણી પાણી કરી નાંખ્યુંઃ સરદાર પટેલ સ્ટેડિયમમાં પાણી ભરાયાં

અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું છે. ગઈકાલે આખો દિવસ ઝરમર વરસાદ વરસ્યા બાદ રાત્રે 12 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે બીચ દિવસે સવારે 6 વાગ્યા સુધી ચાલુ રહેતા અમદાવાદનાં મોટા ભાગનાં વિસ્તારો જળબંબાકાર બન્યા હતા.એક બાજુ ભારે વરસાદને કારણે લોકો પરેશાન થઈ ગયા હતા તો કેટલાંક લોકો વરસાદને મહાલવા નીકળી પડયા હતા. રસ્તા પર મીની નદીયુ વહેતી થવાથી ઘણા વાહન ચાલકો ફસાઈ ગયા હતા. તો ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા હતા.છ ઈંચ જેટલો અનરાધાર વરસાદ પડતાં અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. ભારે વરસાદના કારણે નવરંપુરા વિસ્તારમાં આવેલું સરદાર પટેલ સ્ટેડિયમ પાણીમાં ડૂબી ગયું છે. 

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ અમદાવાદમાં ગઈકાલથી વરસેલા વરસાદને કારણે મોટાભાગનાં વિસ્તારોમાં નદીયુ વહેતી થઈ હતી શહેરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદ ખાબકયાનાં અહેવાલો છે. અવિરત વરસાદના કારણે અમદાવાદનાં પૂર્વ અને પશ્ર્ચિમ વિસ્તારમાં એકથી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે શહેરનાં અન્ડર બ્રીજોની કફોડી હાલત બની હતી. ઉસ્માનપુરા, અખબારનગર, પરિમલ ગાર્ડન જેવા બ્રીજ સલામતીનાં કારણસર બંધ કરવામાં આવ્યા હતા. ભારે વરસાદના કારણે નાના મોટા કામ માટે ઘરમાંથી બહાર નીકળેલા લોકો ફસાઈ ગયા હતા.

અમદાવાદના પોશ ગણાતા પશ્ર્ચિમનાં વિસ્તારો સેટેલાઈટ, વસ્ત્રાપુર, બોડકદેવ, સિંધુભવન રોડ ગુરૂકુળ વિસ્તાર, પ્રહલાદનગર ગાર્ડન, આનંદનગર રોડ, ગોતા વિસ્તાર, માનસી ચાર રસ્તા તો વાડજ, નારણપુરા, નવરંગપુરા, ચાંદલોડીયા, પાલડી, વાસણા, વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાયા છે. આજ રીતે અમદાવાદ પૂર્વનાં બાપુનગર, રખીયાલ, ગોમતીપુર, સરસપુર, અસારવા, કાલુપુર, મણીનગર, વસ્ત્રાલ, દાણી લીમડા, દરીયાપુર, વગેરે વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાયા છે.

એસજી હાઈવે પાસે આવેલા અને અમદાવાદનાં શ્રેષ્ઠ મોડેલ રોલમાં જેની ગણતરી થાય છે તેવા સિંધુભવન રોડની હાલત સૌથી વધુ કફોડી અને ખરાબ બની છે સમગ્ર રોડ પાણી પાણી જોવા મળે છે એજ રીતે એસ.જી. હાઈવેનાં સર્વીસ રોડ પર પણ પાણી ભરાયા છે.

ભારે વરસાદને પગલે શહેરમાં ઠેરઠેર પાણી ભરાવાના કારણે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પાણીનો ઝડપભેર નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મ્યુનિ.કમી. વિજય નેહરા મોડી રાત્રે 3 વાગ્યે ભારે વરસાદની સ્થિતિ ગંભીરતાને સમજીને કંન્ટ્રોલરૂમ પહોંચી ગયા હતા. ભારે વરસાદનાં કારણે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. જેમાં જોધપુર ચાર રસ્તા પકવાન ચાર રસ્તા સહીતનાં વિસ્તારોનો સમાવેશ થાય છે. ભારે વરસાદનાં કારણે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં રોડ પર ઠેકઠેકાણે ખાડા પડયા છે.

આ વરસાદે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલના નિવાસસ્થાનનો વિસ્તાર સુરધારા સર્કલના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદમાં ધોધમાર વરસાદથી સૌથી વધુ અસર હાટકેશ્ર્વર વિસ્તાર બન્યો હતો અહી જાણે મીની દરીયો બન્યો હોય તેવુ લાગતુ હતું. હાટકેશ્ર્વર જાણે બેટ બની ગયો હતો. અમદાવાદમાં ભારે વરસાદને કારણે નિર્માણ થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની 18 અને એસડીઆરએફની 11 ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.