બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ , શનિવાર, 10 ઑગસ્ટ 2019 (09:43 IST)

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાશે રાષ્ટ્રીય કક્ષાનો ''ઓડીએફ ઇન્ડિયા'' કાર્યક્રમ, આશરે ૨૦,૦૦૦ સ્વચ્છાગ્રહીઓ ભાગ લેશે

:ભારત સરકારના પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે આગામી ગાંધી જયંતી-બીજી ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ અમદાવાદ ખાતે રાષ્ટ્રીય કક્ષાના 'ઓડીએફ ઇન્ડિયા સેલિબ્રેશન'' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘે જણાવ્યું હતું.
 
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર કાર્યક્રમની પૂર્વ તૈયારીની સમીક્ષાના હેતુસર આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના અધિક સચિવ સંગીતા સિંઘની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ભારત સરકારના પેય જળ અને સ્વચ્છતા મંત્રાલયના સંયુક્ત સચિવ અરુણ બરોકા, વરિષ્ટ અધિકારીઓ સમીર કુમાર અને સંજુ યાદવ સહીત રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વરિષ્ટ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
 
સંગીતા સિંઘે ઉમેર્યું કે, રાષ્ટ્રીય કક્ષાના આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ અને હરિયાણાથી ૧૦,૦૦૦ જયારે ગુજરાતમાંથી ૧૦,૦૦૦ સ્વચ્છાગ્રહીઓ  હાજર રહેશે. આ દિવસે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના, જળ શક્તિ અને જળ સંચય સહિતની થીમ ઉપર પ્રદર્શન યોજાવાની સાથે એક લેસર શૉનું પણ આયોજન કરવામાં આવશે.
 
તેમણે ઉમેર્યું કે, આ દિવસે ધરાતળે સ્વચ્છતાની કામગીરી કરનારા સ્વચ્છાગ્રહીઓનું સન્માન કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સ્વચ્છાગ્રહીઓને રાજ્યના નામાંકિત સ્થળો - ઐતિહાસિક દાંડી સ્મારક, નવસારી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા અને મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે મુલાકાત કરાવવામાં આવે તેવું પણ આયોજન છે.