શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 9 ઑગસ્ટ 2019 (14:40 IST)

રાજ્યમાં ઝુંપડપટ્ટીનું જ નામ-સરનામુ ન રહે એવો સરકારનો પ્રયત્ન: વિજય રૂપાણી

અમદાવાદ: ‘‘અત્યાર સુધી ઝુંપડપટ્ટીમાં રહેનારાઓનું નામ-સરનામું નો’તું હવે આખા રાજ્યમાં ઝુંપડપટ્ટીનું જ કયાંય નામ-સરનામું ન રહે એવો આપણો પ્રયત્ન છે.’’મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ‘મુખ્યમંત્રી સાથે મોકળા મને’કાર્યક્રમની શૃંખલાની પહેલી કડીમાં રાજ્યના મહાનગરોના ઝુંપડપટ્ટી વિસ્તારોમાંથી આવેલા લોકો સાથે મોકળા મને વાત કરતાં કહ્યું હતું. મુખ્યમંત્રીએ નિર્ણાયક નેતૃત્વના ત્રણ વર્ષ પૂર્ણ થવા અવસરે એક અભિનવ જનસંવાદ ઉપક્રમ ‘મુખ્યમંત્રી સાથે મોકળા મને’દ્વારા પ્રયોજયો હતો. આ ઉપક્રમમાં તેઓ નિયમીત દરમહિને સમાજના વિવિધ વર્ગો-સામાન્ય માનવીઓને મુખ્યમંત્રી નિવાસે આમંત્રીને સહજ સંવાદ પ્રસ્થાપિત કરવાના છે. 

સામાન્યત: મુખ્યમંત્રી નિવાસસ્થાનની મૂલાકાત સામાન્ય, ગરીબ, વંચિત લોકો માટે દુર્લભ હોય છે. વિજય રૂપાણીએ મુખ્યમંત્રી – સી.એમ કોમન મેન. તરીકેની પોતાની છબિને વધુ ઉજાગર કરતા હવે સી.એમ. હાઉસને કોમનમેન હાઉસ આવા સંવાદ-મિલનથી બનાવ્યું છે. અમદાવાદ-ગાંધીનગર ઉપરાંત સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢથી ઝુંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા નાગરિકોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના નિવાસસ્થાને ગાંધીનગર બોલાવ્યા હતા. 

ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાનની હરિયાળીમાં ગરીબ-સામાન્ય નાગરિકો સાથે તેમણે મોકળા મને વાત કરી હતી. ઝુંપડપટ્ટીના નાગરિકોએ પણ કોઇ જ સંકોચ વિના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મોકળા મને વાતચીત કરી હતી. મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના મહાનગરોના શહેરી ગરીબો સેવાવસ્તી પરિવારોએ પોતાના પ્રતિભાવો વ્યકત કરી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના તેમને મળેલા લાભની રસપ્રદ વાતો કરી હતી. વિજય રૂપાણીએ પણ અત્યંત સંવેદનાસ્પર્શી અભિગમથી સૌને સાંભળીને મોકળા મને રજુઆતની તક આપી હતી. 

વિજય રૂપાણીએ લોકોની પ્રગતિ સાથે રાજ્યની પ્રગતિ જોડાયેલી હોવાનું જણાવતા કહ્યું કે માણસ ઝુંપડપટ્ટીમાંથી ફ્લૅટમાં રહેવા જાય તે સાથે જ તેનું જીવનધોરણ બદલાય છે. સરનામું બદલાવાની સાથે તેનો સામાજિક મોભો અને મહત્વાકાંક્ષા પણ વધે છે, સુવિધાઓ વધે છે, જે આખરે સમગ્ર રાજ્યના પ્રગતિના ચક્રને આગળ ધપાવે છે. આ રાજ્યમાં વધુ ને વધુ ગરીબ પરિવારો મકાન માલિક બનાવવા સરકાર સંકલ્પબદ્ધ છે અને રાજ્ય સરકાર ૬ લાખથી વધુ આવક ન હોય તેવા લોકોને મકાન બનાવવા માટે રૂ. ૩.૫ લાખની સહાય પણ આપે છે.

સરકારની વિવિધ વ્યક્તિલક્ષી યોજનાઓનો લોકોને સરળતાથી લાભ મળે તે માટે એક નવતર વિચાર આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે દરેક ઝુંપડપટ્ટી અને ગામ-પરામાં કોઇ એક વ્યક્તિએ સક્રિય બને. તે લોકોના ફોર્મ ભરાવે, તો સેવા-સેતુ કાર્યક્રમ દ્વારા લોકોને સેવાઓનો લાભ સરળતાથી મળશે.“મુખ્યમંત્રી સાથે મોકળા મને”માં શ્રી વિજયભાઈ રૂપાણીએ વડાપ્રધાન શ્રીની મહત્વાકાંક્ષી ‘નલ સે જલ’ યોજનાને ગુજરાતમાં ૧૦૦ ટકા સફળ બનાવવાની સંકલ્પના વ્યક્ત કરી હતી અને કહ્યું કે આવતા ૩ વર્ષમાં રાજ્યમાં દરેક ઘરને  નળથી પાણી આપવાનો અમારો ધ્યેય છે. 

મુખ્યમંત્રીએ અસામાજિક તત્વોના ત્રાસમાંથી ગુજરાતને સંપૂર્ણપણે બહાર લાવવાની અડગ નેમ વ્યકત કરી હતી અને ગુજરાતે દારૂબંધીના કાયદાના કડક અમલ સહિતના વિવિધ પગલાઓની ભૂમિકા આપી હતી. દારૂને સામાજિક બદી  ગણીને વ્યસન છોડાવવા અને નવી પેઢીને આ બદીથી બચાવવા માટે જાગૃતિ-ઝુંબેશની જરૂરિયાત ઉપર મુખ્યમંત્રીએ ભાર મૂક્યો હતો. આ સંવાદમાં મુખ્યમંત્રીએ સ્વચ્છતાના સંદર્ભમાં રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા ઉપર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે વિવિધ રોગોથી બચવા અને આરોગ્ય જાળવવા માટે સ્વચ્છતા અનિવાર્ય છે. 

મુખ્યમંત્રીએ સરકારના મહત્વાકાંક્ષી શાળા આરોગ્ય કાર્યક્રમની પણ રૂપરેખા આપી હતી. શાળા આરોગ્ય કાર્યક્રમમાં દર વર્ષે જરૂરિયાતવાળા બાળકોની મફત સારવાર–મફત કોકલિયર ઇમ્પ્લાન્ટ ઉપરાંત વાલ્વ-હૃદયની સમસ્યાઓના ઓપરેશન પણ સરકાર કરાવી આપે છે.  સરકાર સરકારી શાળાઓની ગુણવત્તામાં મોટું પરિવર્તન આવવાનો સંકેત આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે ૩ વર્ષમાં સરકારી શાળાની ગુણવત્તા સુધારવાનો સરકારે નિર્ણય કર્યો છે. 

સરકારે નવતર અભિગમ અપનાવીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઇન હાજરી ફરજિયાત બનાવી છે. શાળા શિક્ષણ ગુણવત્તા સુધારણા માટે ‘મિશન વિદ્યા’પણ શરૂ કર્યું છે. આ સંવાદગોષ્ઠિમાં મુખ્યમંત્રીએ સ્ત્રી ભ્રૂણ હત્યાને રોકવાની નિતાંત આવશ્યક્તા હોવાનું જણાવ્યું હતું અને કહ્યું કે પ્રત્યેક દિકરીને અવતરવાનો હક છે. સમાજના સંતુલન માટે દિકરીઓ આવશ્યક છે. મુખ્યમંત્રીએ શહેરી ગરીબો સાથે કરેલો આ મોકળા મનનો સંવાદ સૌમાં એક ઉત્સાહવર્ધક માહોલ સર્જવાનો પરિચાયક બન્યો હતો.