સરદાર સરોવર ડૅમ પર વર્ષોના વિવાદો બાદ દરવાજા મૂકવાની કહાણી

narmada dam
Last Modified શુક્રવાર, 9 ઑગસ્ટ 2019 (12:52 IST)
સરદાર સરોવર ડૅમના પર આવેલા દરવાજા પ્રથમ વખત ખોલવામાં આવ્યા છે.
2017માં ડૅમના દરવાજા બંધ કર્યા બાદ 2019માં શુક્રવારે પ્રથમ વખત આ દરવાજા ખોલાવામાં આવ્યા છે.
નર્મદા કંટ્રોલ ઑથોરિટી દ્વારા આપવામાં આવેલી મંજૂરી મુજબ 131.18 મીટરની પાણીની સપાટી જાળવી રાખવા માટે આ દરવાજા ખોલવા જરૂરી છે.
વર્ષ 2016માં પર કુલ 30 દરવાજા બેસાડવાનું કામ પૂર્ણ થયું હતું. જેમાંથી હાલ 25 દરવાજા ખોલવામાં આવ્યા છે.
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે પણ શુક્રવારે સવારે ડૅમની મુલાકાત લીધી હતી.
ગત ઉનાળે ગુજરાતને પાણીની ભારે તંગી અનુભવી હતી. મુલાકાત વખતે પત્રકારો સાથે વાત કરતા રૂપાણીએ કહ્યું હતું કે વધારાના પાણીને ગુજરાતની અન્ય નદીઓમાં વાળવામાં આવશે અને તેનાથી તળાવો ભરવામાં આવશે
વર્ષોના વિવાદ બાદ જ્યારે દરવાજાની મંજૂરી મળી
નર્મદા નદી પર આવેલું સરદાર સરોવર ગુજરાતનાં હજારો ગામડાંને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે.
1961માં જવાહરલાલ નહેરુ દ્વારા સરદાર સરોવરનો પાયો નંખાયો હતો. જોકે, જે બાદ ડૅમનું કામ શરૂ થઈ શક્યું ન હતું.
સરદાર સરોવર શરૂઆતથી જ વિવાદમાં રહ્યું છે. ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર ચાર રાજ્યો વચ્ચેની આ પરિયોજનામાં અનેક ઊતાર-ચઢાવ આવ્યા છે.
ચાર રાજ્યો વચ્ચેના વિવાદને કારણે 1969માં નર્મદા વોટર ડિસ્પ્યૂટ ટ્રિબ્યૂનલની સ્થાપના કરવામાં આવી.
10 વર્ષ સુધી મથામણ કર્યા બાદ આખરે ટ્રિબ્યૂનલે 1979માં પોતાનો ચુકાદો આપ્યો અને રાજ્યો વચ્ચે પાણી અને વીજળીની વહેંચણી નક્કી થઈ.
જે બાદ આખરે નર્મદા પર સરદાર સરોવર બાંધવાનું કામ શરૂ થયું. 1989માં સુપ્રીમ કોર્ટે તેને 85 મીટરની ઊંચાઈ સુધી લઈ જવાની પરવાનગી આપી હતી.
આખરે 2006માં કેટલીક મંજૂરીઓ અને વિવાદો વચ્ચે નર્મદા પરના આ ડૅમની ઊંચાઈ 121 મીટર સુધી પહોંચી, પરંતુ ડૅમ પર દરવાજા મૂકવાની મંજૂરી મળી શકી નહીં.
જ્યારે દરવાજા મુકાવાનું કામ શરૂ થયું
આખરે વર્ષો બાદ નર્મદા કંટ્રોલ ઑથોરિટીએ 2014માં ડૅમ પર દરવાજા મૂકવાની મંજૂરી આપી.
જોકે, દરવાજા મૂકવા સાથે એ શરત હતી કે તેને બંધ કરી શકાશે નહીં અને ખુલ્લા જ રાખવા પડશે.
દરવાજા બંધ કરવાથી મધ્ય પ્રદેશ અને ગુજરાતનાં કેટલાંક ગામો પાણીમાં ડૂબી જતાં હતાં.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઑગસ્ટ 2017 સુધીમાં સરદાર સરોવર ડૅમના કારણે પ્રભાવિત થતાં લોકોનું સ્થળાંતર પૂર્ણ કરવાનું હતું.
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને મધ્ય પ્રદેશને 400 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
જેથી અસરગ્રસ્ત 600 પરિવારો કે જેમણે ડેમ પ્રોજેક્ટના કારણે જમીન ગુમાવી હતી તેમને વળતર ચૂકવી શકાય.
મંજૂરી મળ્યા બાદ સરદાર સરોવર પર 30 દરવાજા મૂકવાનું કામ શરૂ થયું હતું અને તેને 2017 સુધીમાં પૂર્ણ કરવાની યોજના હતી.
2017નું વર્ષ અને દરવાજા બંધ કરવાની મંજૂરી મળી
જે બાદ આનંદીબહેન મુખ્ય મંત્રી હતાં અને તેમની સરકારમાં દરવાજા બેસાડવાનું કામ શરૂ થયું. જે 2016 સુધીમાં પૂર્ણ કરી લેવાયું હતું.
જોકે, તે દરવાજાને હજી બંધ કરવાની મંજૂરી મળી ન હતી. દરવાજા બંધ કરવાથી ડેમમાં વધારે પાણી ભરી શકાય અને તે ગુજરાત અને રાજસ્થાનનાં ગામોને આપી શકાય.
પુનર્વસનની કામગીરી અને બીજી બાબતોને ચકાસ્યા બાદ જે બાદ નર્મદા કંટ્રોલ ઑથોરિટીએ જૂન 2017માં દરવાજાને બંધ કરવાની મંજૂરી આપી દીધી.
વિજય રૂપાણીની સરકારમાં જૂન 2017માં આ દરવાજા બંધ કરવાનું કામ પૂર્ણ થયું.
એ સમયે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ચોમાસા પહેલાં મળેલી મંજૂરી ગુજરાત માટે દરવાજા બંધ કરવાનો ખરો સમય છે. જેનાથી ડેમમાં 3.48 મિલિયન એકર પાણી સ્ટોર કરી શકાશે.
નર્મદા યોજના અને પુનર્વસનનો વિવાદ
જોકે, નર્મદા પર બંધાયેલો આ ડૅમ વિવાદાસ્પદ રહ્યો છે અને લોકોના પુનર્વસન અંગે વારંવાર ગુજરાત અને મધ્ય પ્રદેશ સરકારો પર આરોપો થતા રહ્યા છે.
આ મામલે બીબીસી ગુજરાતી સાથે વર્ષ 2017માં 'નર્મદા બચાવો આંદોલન'નાં નેતા મેધા પાટકરે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે સરદાર સરોવર એ 1961ની મૂળ યોજના પ્રમાણેનો ડૅમ નથી. વાસ્તવમાં સરદાર સરોવર એ 30 નાના ડૅમનો બનેલો છે. તેમાં સરદાર સરોવર હેઠળ બે મોટા ડૅમનું નિર્માણ થયું છે."
તેમણે કહ્યું, "હાલમાં સરદાર સરોવર ડૅમનું ઉદ્ઘાટન કરી દેવાયું છે, પરંતુ 42 હજાર કિલોમિટરની નહેરોનું નિર્માણ બાકી છે."
"અમારો વિરોધ, વિરોધ માટે નથી. આ વિરોધ ન્યાય માટેનો છે."
"વિજય રૂપાણીને એટલી પણ ખબર નથી કે 1961માં નહેરુએ જે ડૅમનું ખાતમુહૂર્ત કર્યું હતું, તે બંધનો 162 ફૂટનો હતો, જ્યારે વર્તમાન ડૅમ 455 ફૂટનો છે."
"1961માં જે લોકો નિર્વાસિત થયા, તેમને હજુ વળતર મળ્યું નથી. પુનર્વસન વિના ડૅમનું નિર્માણકાર્ય કેવી રીતે આગળ વધી શકે?"
"રૂપાણી મીલિયન એકર ફૂટ એ એકમના બદલે ક્યુમેક્સ (ક્યુબિક મીટર પર સેકન્ડ)માં વાત કરે છે."
મેધા પાટકરે કહ્યું હતું, "મૂળ યોજના પ્રમાણે, કચ્છ અને સૌરાષ્ટ્રની જનતાને ડેમમાં પ્રાથમિક્તા આપવાની હતી. જેની સામે આજે પણ કોઈ વાંધો નથી."
"2006માં 122 મીટર ડૅમની ઊંચાઈ હતી, ત્યારે પણ ગુજરાત સરકાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જળ વિતરણ કરી શકી હોત."
"ગુજરાત સરકારે માઇક્રો નેટવર્ક બનાવવાનું હતું. જે હજુ પણ તૈયાર નથી થયું. છતાંય તેનું ઉદ્ઘાટન કરી દેવાયું છે."
નર્મદા બંધ વિશે ખાસ બાબતો
સરદાર સરોવર ડૅમ ભારતની સૌથી મોટી જળ પ્રકલ્પ યોજના છે.
મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા મોટાં રાજ્યો આ પ્રોજેક્ટ સાથે જોડાયેલાં છે.
પાણી ડિસ્ચાર્જ કરવાની શક્તિની ક્ષમતાના આધારે નર્મદા ડૅમ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ડૅમ છે.
પ્રોજેક્ટ્થી જોડાયેલી 532 કિલોમીટર લાંબી નર્મદા મુખ્ય નહેર વિશ્વની સૌથી લાંબી સિંચાઈ નહેર છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોન્ક્રીટથી બનેલો સરદાર સરોવર ડૅમ ભારતનો ત્રીજો સૌથી ઊંચો ડૅમ છે. તતત્કાલિન મુખ્ય મંત્રી આનંદીબહેનન પટેલે નર્મદા યોજનાની ઊંચાઈ 121 મીટર થી 138.62 મીટર વધારવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો :