રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 29 ઑગસ્ટ 2020 (14:27 IST)

ભારતીય ઇજનેરોની ઐતિહાસિક સિદ્ધિ, અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના અપ-ડાઉન લાઇનની બે જોડિયા ટનલ તૈયાર

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-૧ પૈકી ૬.૫ કિ.મી.ની લંબાઇ ધરાવતી એપરેલ પાર્કથી શાહપુર – સાબરમતી નદી પહેલા સુધીની ૫.૮ વ્યાસની એક અપલાઇન અને એક ડાઉન લાઇનની એમ જોડીયા ભુગર્ભ ટનલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. કોરોના મહામારી વચ્ચે પણ લોકડાઇન સમયે આ અત્યંત વિશિષ્ટ પ્રકારની ઇજનેરી કૌશલ્ય ધરાવતી ભુગર્ભ ટનલનું ભારતીય ઇજનેરો અને ભારતીય કંપની દ્વારા ખાસ મશીનરીનું ખાસ ઉપયોગ કરીને પૂર્ણ કરવામાં આવ્યું છે તે ગુજરાત માટે ઇજનેરી ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ સમાન છે. 
 
વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેની ઓળખ ધરાવતા અમદાવાદ શહેરના ગીચ વિસ્તારમાં આ કામગીરી સફળતા પૂર્વક પૂર્ણ કરાઇ છે તે બદલ ઇજનેરોને અભિનંદન આપતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ ટનલની સરેરાશ ઉંડાઇ જમીનની સપાટીથી ૧૮ મીટર નીચે છે અને આ કામમાં ૩.૩ લાખ ઘન મીટર માટી, ૫૨,૩૦૦ ઘનમીટર ક્રોંકીંટ, આશરે ૨ લાખ મનુષ્ય દિવસ અને ૪ હજાર ક્રોકીંટ રીંગ સહાયક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યા છે.  
 
તેમણે કહ્યું હતું કે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલી ૪૦ કિ.મી.ની અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-૧ના પૈકી ૬.૫ કિ.મી. લંબાઇની આ વિશિષ્ટ પ્રકારની ટનલ તૈયાર કરવા આધુનિક ચાર ટનલ બોરિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટનલનું કામ ઝડપી પૂર્ણ કરવા કોરોનાના કારણે પોતાના વતન ગયેલા વિશેષ કૌશલ્ય ધરાવતા ઓડિશાના શ્રમિકોને હવાઇ માર્ગે પરત લાવીને તેમની મદદથી આ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.  
મુખ્યમંત્રીએ આ સિદ્ધિ બદલ ટ્વીટ કરીને ભારતીય ઇજનેરી કૌશલ્યને બિરદાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ડેશબોર્ડના માધ્યમથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ–ટનલનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.