રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 ઑક્ટોબર 2021 (10:04 IST)

મોજશોખ પૂરા કરવા અમદાવાદની સગીરાએ 5થી 6 બોયફ્રેન્ડ બનાવ્યા

પિતા અને દાદીની સાથે રહેતી સગીરા ખરાબ રવાડે ચડી ગઈ હતી અને મોજશોખ પૂરા કરવા માટે પાંચથી છ છોકરાઓ સાથે સંબંધ બાંધ્યા હતા. જેની જાણ તેના પિતાને થતા તેમણે 181 અભયમનો સંપર્ક કર્યો હતો. મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલરે સગીરાને સમજાવી મામલો થાળે પાડયો હતો. 15 વર્ષીય છોકરી બે મહિનાની હતી ત્યારે તેની માતા ઘર છોડીને કયાંક ભાગી ગઈ હતી. તેના પિતા અને દાદીએ સગીરાનો ઉછેર કર્યો હતો. પિતાએ બીજા લગ્ન કરવાને બદલે દીકરીને સારી રીતે રાખવાનો નિર્ણય કર્યો હતો અને તેને કોઈ વસ્તુની તકલીફ ન પડે તે માટે પિતા રાતે પણ નોકરી કરતા હતા અને દીકરી જે કહે તે લાવી આપતા હતા. પણ સગીરા મોજશોખના રવાડે ચડી ગઈ હતી અને તેણે વિવિધ વસ્તુઓની માગણી કરવાનું શરૂ કર્યું હતું. પિતાએ તેને મર્યાદામાં રહેવાની સલાહ આપી હતી, પરંતુ સગીરા સમજવા તૈયાર ન હતી. તેણે પોતાની દાદીને કહ્યું કે તે સેનેટરી નેપકીન વેચીને પોતાની રીતે કમાઈને શોખ પૂરા કરશે. સગીરા સેનેટરી નેપકીને વેચવાના બહાને આખો દિવસ બહાર રહેવા લાગી હતી અને ઘણીવાર મોડીરાતે ઘરે આવતી હતી. દાદીએ તેના રાતના સમયે બહાર નહીં રહેવા સમજાવતા તેણે દાદીને ધમકી આપી હતી કે હું મોડી આવું છું તે અંગેની જાણ તું પિતાને કરીશ તો તને નહીં છોડું. એક બે વખત સગીરાએ તેની દાદી સાથે મારઝૂડ પણ કરી હતી. સગીરાના પ્રેમ સંબંધની જાણ તેના પિતાને થતા પિતાએ અભયમની ટીમને જાણ કરતાં ટીમે સગીરાના પ્રેમીને બોલાવી પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, સગીરા બીજા 5થી 6 છોકરા સાથે પ્રેમ સંબંધ ધરાવે છે અને મોજશોખ માટે અવળા રવાડે ચઢી ગઈ છે. આ અંગેની જાણ થતા પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. બીજી બાજુ અભયમની ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કર્યુ હતુ. જેથી સગીરાને પોતાની ભૂલ સમજાઈ હતી અને પિતા અને દાદીની માફી માગી હતી. જે દીકરી ખાતર દિવસ રાત નોકરી કરતા પિતાને જ્યારે ખબર પડી કે તેની દીકરી સંખ્યાબંધ છોકરાઓ સાથે સબંધ રાખે છે ત્યારે તેમની મનોદશા બગડી ગઈ હતી અને તેમણે દીકરીને પોતાની સાથે નહીં રાખવાનો નિર્ણય કર્યો હતો. અભ્યમની ટીમે સગીરાનુ કાઉન્સેલિંગ કરી તેને સમજાવતા તેણે ભૂલ સ્વીકારી હોવા છતાં તેના પિતા તેને સાથે રાખવા તૈયાર નહતા અંતે તેને મોટાબાપાને ત્યાં મોકલી આપવામાં આવી હતી.