ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (16:01 IST)

અમદાવાદ બ્લાસ્ટના આરોપીઓની સજાની સુનાવણી 11 ફેબ્રુઆરીએ સવારે 10:45 વાગે થશે

અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થઈ ગયો છે. અદાલતે કુલ 78માંથી 49 આરોપીને UAPA ( અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન)) હેઠળ દોષિત જાહેર કર્યા છે.

દેશના ઇતિહાસમાં સૌપ્રથમવાર UAPA હેઠળ 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ 49 દોષિતમાંથી 1 દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરતાં તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ કેસમાં કોર્ટે શંકાના આધારે કુલ 29 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસના 49 દોષિતને આજે કોર્ટમાં સરકારી વકીલ અને બચાવ પક્ષ વચ્ચે દલીલો થઈ હતી.

સ્પેશિયલ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન આરોપીના વકીલ તરફથી ત્રણ સપ્તાહના સમયની માંગ કરવામાં આવી હતી. જોકે સ્પેશિયલ કોર્ટે કેસના તથ્યોને જોતા તે નામંજૂર કરીને માત્ર 11 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે. આજે સાવરે 11 કલાકે સુનાવણીની શરૂઆત થઈ હતી. આ સુનાવણી 11.30 કલાક સુધી એટલે કે અડધો કલાક સુધી ચાલી હતી.આરોપીઓના વકીલ તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી કે દોષીતોને સુધારાનો અવકાશ છે. જે માટે ઋષી વાલ્મિકીનો પણ ઉદાહરણ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો, એટલે કે આરોપીઓને સુધારવાની એક તક આપવી જોઇએ તેમ રજૂઆત કરવામાં આવી. કેમ કે આરોપીઓ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, જેથી તે અંગેની વિગતો, તેમના પારીવારીક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપવા 3 સપ્તાહની માંગ કરી હતી.

જો કે આ કેસની હકીકતોથી આરોપીઓના વકીલો વાકેફ છે, જેથી વધુ સમય આપી ન શકાય તેમ છતાં માનવીય અભિગમ રાખીને કોર્ટે 11 તારીખ સુધીનો સમય આપ્યો છે.સુનાવણી દરમિયાન સરકારી વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી કે દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો છે જેથી મહત્તમ સજા થવી જોઈએ. આ માટે રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો કોર્ટમાં રેફરન્સ આપવામાં આવ્યો હતો. એક ચુકાદાનો હવાલો આપી સરકારી વકીલોએ રજુઆત કરતા કહ્યું કે,વાલ્મિકીઓ રોજ નથી થતા કે જેમનામાં સુધારાનો અવકાશ હોય. સાથે જ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, સુરંગ કાંડ જેવી બાબતો પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ. આ મામલે કોર્ટે કહ્યું છે કે આરોપી પક્ષના વકીલો જેલમાં બંધ દોષિતોની આજે જ મુલાકાત લઇ તેમનો પક્ષ જાણે અને બાદમાં કોર્ટમાં રજુઆત કરે. તે ઉપરાંત શૈક્ષણિક લાયકાત સહિતની વિગતો દોષિતોના પરિવાર પાસેથી તેમના વકીલોને મેળવી લેવા તાકીદ કરી છે. જયપુર, બેંગ્લુરૂ, ગયા, ભોપાલ અને અન્ય જેલોમાં બંધ કેદીઓની મેડિકલ ડિટેલ અને અન્ય ડોક્યુમેન્ટ્સ સાબરમતી સેન્ટ્રલ જેલ પર આજે સાંજ સુધીમાં મોકલી આપવા કોર્ટે નિર્દેશ આપ્યા છે. જે મામલે હવે આગામી 11 ફેબ્રુઆરીએ બંને પક્ષ તરફથી સજા મામલે દલીલો સાંભળવામાં આવશે.