ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 ફેબ્રુઆરી 2022 (10:31 IST)

ભચાઉમાં ધોરણ 9માં ભણતી સગીરાને શાળા બહારથી ઉપાડી જઇ દુષ્કર્મ

ભચાઉમાં નવમાં ધોરણમાં અભ્યાસ કરતી બાળકીને 2 યુવાનો દ્વારા પોતાની બાઈક મારફતે અપહરણ કરી અવાવરું જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આપવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ બનાવમાં 2 વિધર્મી યુવાનો દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની સમગ્ર શહેરમાં ચર્ચા થવા લાગી હતી.આ અંગે મળતી માહિતી મુજબ મંગળવારે સવારે 9માં ધોરણમાં અભ્યાસ કરતી એક સગીરા શાળાએ ગઈ હતી. જ્યાં સવારના 11 વાગ્યાના અરસામાં 2 વિધર્મી યુવાનોએ વિધાર્થીની શાળાથી બહાર આવતા જ તેનું અપહરણ કરી લીધું હતું અને તેને માનસરોવર રેલ્વે ટ્રેક પાસે લઇ ગયા હતા. જ્યાં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. શાળાના સમય બાદ પણ સગીરા ઘરે ન પહોચતા પરિવારજનો ચિંતાતુર થઇ સમગ્ર શહેરમાં સગીરાને શોધવા નીકળ્યા હતા પરંતુ તે મળી ન હતી. બાદમાં સાંજે 5 વાગ્યે વિધર્મી યુવાનો સગીરાને પરત છોડી નાસી ગયા હતા. જે બાદ સગીરાએ તેના પરિજનોને પોતાની આપવીતી સંભળાવતા પરિવાર પોલીસ મથકે પહોચ્યો હતો અને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. બનાવ અંગે ભચાઉ પોલીસ મથકના પી.આઈ. રાકેશ વસાવા સાથે સંપર્ક સાધતા તેમણે ઘટના બની હોવાની વાતને સમર્થન આપ્યું હતું અને આરોપીઓને પકડવા સી.સી.ટી.વી. કેમેરાઓ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ ચાલતી હોવાનું જણાવ્યું હતું. બનાવની જાણ થતા માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ મામલાને ગંભીરતાથી લીધો હતો અને પૂર્વ કચ્છ એસ.પી. અને ત્યારબાદ ગૃહ મંત્રાલય સુધી તાત્કાલિક ધોરણે પગલા ભરવા રજૂઆત કરી હતી. તો બીજી તરફ ભચાઉના વેપારી મંડળ અને સમાજોના આગેવાનો દ્વારા પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.