શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 31 જાન્યુઆરી 2019 (15:28 IST)

અલ્પેશ ઠાકોર સીએમ રૂપાણીને મળ્યાં, ભાજપમાં જોડાવાની અટકળોને વેગ મળ્યો

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરતા ફરી એક વખતે અલ્પેશ ભાજપમાં જોડાઈ રહ્યો હોવાની વાતને હવા મળી છે. આ પહેલા એકતા યાત્રા દરમિયાન અલ્પેશ ઠાકોરે ભાજપના નેતા શંકર ચૌધરી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પણ એવી હવા ઉડી હતી કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ રહ્યો છે. જોકે, બાદમાં તેણે સ્પષ્ટતા કરી હતી આ ફક્ત સૌજન્ય મુલાકાત હતી. અલ્પેશ ઠાકોર સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી. આ મામલે બંને ધારાસભ્યોએ સીએમ રૂપાણી સમક્ષ રજુઆત કરી છે. બંનેએ રજુઆત કરી છે કે પોલીસ તેમની ખોટી હેરાનગતી બંધ કરે. મુલાકાત દરમિયાન સીએમ રૂપાણી અને અલ્પેશ ઠાકોર વચ્ચે અડધો કલાક સુધી ચર્ચા ચાલી હતી. ભાજપના નેતા બાદ અલ્પેશે હવે સીએમ રૂપાણી સાથે મુલાકાત કરતા એવી હવાએ જોર પકડ્યું છે કે અલ્પેશ ભાજપમાં જોડાઈ જશે. સીએમના નિવાસસ્થાને જ ત્રણેય નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી. જોકે, મુલાકાત બાદ અલ્પેશે ભાજપમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકતા આવું કંઈ જ ન હોવાનું જણાવ્યું હતું. અલ્પેશ ઠાકોર ગુજરાત કોંગ્રેસની નેતાગીરીથી નારાજ છે. અલ્પેશે તાજેતરમાં પોતાની નારાજગી તેમજ ગુજરાતમાં પક્ષની સ્થિતિને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા બાદ અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં એકતાયાત્રા કાઢી હતી.