ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 જુલાઈ 2019 (11:52 IST)

કોંગ્રેસ સાથે દગો કરનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહના બાવાના બેઉ બગડ્યા

દગાખોર અને બિનભરોસાપાત્રનું લેબલ ધરાવતો અલ્પેશ ઠાકોર ભાજપ માટેય હવે બોજારૂપ બની ગયો છે. એને ભાજપ સરકારમાં મંત્રીપદ મળવાની આશા હવે ધુંધળી બની ગઇ છે. શુક્રવારે અલ્પેશે ધારાસભ્ય પદે રાજીનામું આપ્યું તે પછી જવાહર ચાવડા અને કુંવરજી બાવળિયાની જેમ ભાજપમાં કેમ તરત જ ભેળવવામાં આવતો નથી એ અંગે જણાવતા સૂત્રો કહે છે કે અલ્પેશની પરપ્રાંતિય વિરોધી છાપ ભાજપના પ્રાથમિક સદસ્યતા અભિયાનને નડી શકે છે. તેથી વિધાનસભાનું ચાલુ સત્ર પૂરું થાય ત્યાં સુધી તેને ભાજપમાં લેવામાં આવશે નહીં.
ઠાકોર સમાજમાં અલ્પેશને કટ-ટુ-સાઇઝ કરવાની ભાજપની વ્યૂહરચનાના ભાગરૂપે જ રાજ્યસભામાં જુગલ ઠાકોરને પ્રમોટ કરાયા છે. રાજ્યમાંથી પરપ્રાંતીયોને ખદેડવાના અલ્પેશના આંદોલન પછી એને પાર્ટીમાં લેવાથી બિહાર- યુ.પી.માં ખોટા સંકેત જશે તેવો પણ એક મત છે.
જ્યારે બીજો મત એવો છે કે લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ભાજપ માટે હવે સ્થિતિ બદલાઈ હોઇ અત્યારે એને લઈને બીજાની માફક તરત મંત્રીપદ સોંપવું પડે એવી કોઈ આવશ્યક્તા નથી. ભાજપના કાર્યકરોમાં અને ઠાકોર સમાજમાં અલ્પેશને ભાજપમાં જોડવા સામે વાંધો હોવાનું જણાવાઇ રહ્યું છે.
બાયડ વિધાનસભા ક્ષેત્ર કોંગ્રેસનો ગઢ હોવાથી જ કોંગ્રેસ છોડનારા મહેન્દ્રસિંહ વાઘેલા બાયડમાંથી ફરી ચૂંટણી લડવાની હિંમત કરી શક્યા ન હતા, એવી જ રીતે હમણાં કોંગ્રેસ છોડનારો અલ્પેશનો સાથી ધવલ ઝાલા પણ ફરી બાયડમાંથી ચૂંટાઈ શકે એવી હાલતમાં ના હોઈ ભાજપ પેટાચૂંટણીમાં ટિકિટ આપવાનો નથી.