મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 એપ્રિલ 2018 (13:16 IST)

દલિતોની ચિમકી, 14મી એપ્રિલે ભાજપના નેતાઓને ડૉ.આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરતાં અટકાવાશે

એટ્રોસિટી એક્ટ અંગે સુપ્રિમ કોર્ટે કરેલી ટિપ્પણી બાદ ગુજરાત જ નહીં,દેશભરના દલિતોમાં રોષ ભભૂક્યો છે. અમદાવાદમાં રવિવારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યક્રમમાં દલિત નેતાઓએ એવી ચિમકી ઉચ્ચારી છેકે, જો ૧૪મી એપ્રિલ પહેલાં મોદી સરકાર એટ્રોસિટી એક્ટ અંગે વટહુકમ નહીં લાવે તો,બાબાસાહેબની જન્મજયંતિના દિને ભાજપના નેતાઓને ડૉ.આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરતા અટકાવવામા આવશે.

અમદાવાદમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મચ અને સાથી સંગઠનો દ્વારા એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણીએ ચિમકી ઉચ્ચારી હતી કે, આ કાયદા અંગે નિર્ણય આપનારા જજ સામે મહાભિયોગની માંગ ઉભી કરવામાં આવશે. ૧૪મી એપ્રિલે અમદાવાદના સારંગપુર ખાતે દલિતો માનવસાંકળ રચીને ભાજપના એકેય નેતાને ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જવા દેશે નહીં. એટલુ જ નહીં,પ્રતિમાને ફુલહાર પણ કરવા દેવામાં આવશે નહીં. દરેક જિલ્લામાં દલિતો આવો કાર્યક્રમ ઘડી કાઢશે. માત્ર ગુજરાતમાં જ નહીં, દેશભરમાં તમામ સ્થળોએ આંબેડકરની પ્રતિમાને ભાજપના નેતાઓ ફુલહાર ન કરે તે માટે આગોતરુ આયોજન કરાશે.દિલ્હીમાં કર્મશીલોની એક બેઠક યોજાનાર છે જેમાં આ માટે આયોજન કરવામાં આવનાર છે. દલિતોને ફાળવવામાં આવેલી જમીનો આજેય કાગળ પર જ છે. અસામાજીક તત્વોએ આ જમીનો પર દબાણ કર્યુ છે જેના વિરોધમાં ૧૪મી એપ્રિલે સામખિયાળી હાઇવે પણ ચક્કાજામ કરવા જીજ્ઞોશ મેવાણીએ એલાન કર્યુ છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ હાજરી આપશે. દલિત આગેવાન ભાનુભાઇએ આત્મ વિલોપન કર્યા બાદ સરકારે ઠાલા વચનો આપ્યા હતાં. આજેય તેનો અમલ થઇ શક્યો નથી જેથી દલિતોએ આંબેડકર જન્મજયંતિના દિને આક્રમક વિરોધ કરવાના મૂડમાં છે. સોમવારે અમદાવાદ, મહેસાણા, કચ્છ, અમરેલી, કડી સહિતના જીલ્લાઓમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરો જીલ્લા કલેક્ટરોને આવેદનપત્ર પણ પાઠવશે.