વિકાસ ગાંડો થયો છે'ના મુદ્દે હાઈકમાન્ડે ગુજરાત ભાજપના નેતાઓની ઝાટકણી કાઢી
ગુજરાતમાં સોશિયલ મીડિયા પર 'વિકાસ ગાંડો થયો છે' નું કેમ્પેન ભાજપને ભારે પડી રહ્યું છે. આ મુદ્દા પર ગુજરાતના ભાજપના નેતાઓએ પણ આડેધડ જવાબો આપ્યાં છે. ત્યારે સમગ્ર ઘટનાચક્રથી ભાજપના કેન્દ્રીય નેતાઓ પણ નારાજ થયાં છે. તેમણે ગુજરાત ભાજપના ટોચના ત્રણેય નેતાઓની ઝાટકણી પણ કાઢી છે. ભૂતકાળમાં કેન્દ્રિય નાણામંત્રી અરુણ જેટલીએ ગુજરાત ભાજપનાં નેતાઓને એવી શિખામણ આપી હતી કે તમામે કોઇપણ પ્રશ્નના ગમે તેટલા જવાબો આપવાના નથી. ભાજપે જે 'એજન્ડા' નક્કી કર્યો છે તેને ધ્યાનમાં રાખીને જવાબો આપવાના છે. પરંતુ છેલ્લાં બે મહિના દરમિયાન સોશિયલ મીડિયા પર 'વિકાસ ગાંડો, રઘવાયો થયો છે'ના મુદ્દે ભાજપની જોરદાર ફિરકી લેવાઇ રહી છે. વિકાસ ગાંડો થયો છે'ના મુદ્દે ખુદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા રીએક્શન અપાયા હતા જે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આથી આ અંગે ગુજરાતમાંથી જ તેના ક્લિપીંગો દિલ્હી હાઇકમાન્ડને મોકલી ધ્યાન દોરાયું હતું. સૂત્રો જણાવે છે કે ખાસ કરીને અરૃણ જેટલીએ આ મુદ્દે ગંભીર નોંધ લીધી છે. એવી ચર્ચા પણ છે કે તેઓએ 'વિકાસ ગાંડો થયો છે'નાં મુદ્દે ટોચના ત્રણેય નેતાઓ અને પ્રદેશ પ્રવક્તાને આખરી ઝાટકણી કાઢ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે. વિકાસ'ના મુદ્દાએ હેન્ડલ કરવામાં ભાજપની ગુજરાતની નેતાગીરી નિષ્ફળ ગઇ છે. આટલા ઝડપી સમયમાં વિકાસ ગાંડો થયો છે'ના વાક્યએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી કે જેટલીએ ફરીથી ભાજપની કેડરને સલાહ આપી છે કે વિકાસના મુદ્દે તમ નેગેટીવ કોમેન્ટ ના કરો પરંતુ તમારી સિદ્ધીઓને રચનાત્મક રીતે સોશિયલ મિડિયામાં મૂકો.