ભાજપના નેતાઓ ગુજરાતને કેસરીયો ખેસ પહેરાવવા ‘હાર્ટ ટુ હાર્ટ’ ૨૫ લાખથી વધુ લોકોનો સંપર્ક કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળને ૩ વર્ષ પૂરાં થતાં હોવાની ઉજવણી ગુજરાત સહિત દેશભરમાં ૨૮ મેથી ૧૫ જૂન દરમિયાન થઈ રહી છે. ગુજરાતમાં આ ઉજવણી ચૂંટણીલક્ષી બનાવવામાં આવી છે એટલે પ્રદેશ ભાજપ વિસ્તારકો ૪૮ હજાર બૂથમાં ઘેર ઘેર જઈને ‘હાર્ટ ટુ હાર્ટ’ ૨૫ લાખથી વધુ લોકોનો સંપર્ક કરશે.
અમદાવાદનાં તમામ બૂથમાં કાર્યકર્તાઓ ફરી વળશે અને દરરોજ સાંજે લોકો સાથે ટિફિન બેઠક કરશે એટલું જ નહીં, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત સરકારે કરેલાં વિકાસકાર્યો પણ સોશિયલ મીડિયા થકી પ્રજા સમક્ષ લઈ જવા પક્ષના રાષ્ટ્રીય અને પ્રદેશના નેતાઓ પણ રાજ્યભરમાં ફરી વળશે. ૧૮ દિવસનો સમગ્ર કાર્યક્રમ માત્ર વન ટુ વન સંપર્ક આધારિત રહેશે. આજે સાંજ સુધીમાં આ કાર્યક્રમમાં આવનારા અંદાજે ૮થી ૧૦ નેતાઓના કાર્યક્રમની રૂપરેખા તૈયાર થશે. ભાજપના ૪૮ હજાર કાર્યકરો ઘરબાર છોડીને ૧૮ દિવસ માત્ર ભાજપને સમર્પિત રહેશે. પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે ૨૮ મેથી ૧૫ જૂન દરમિયાન ભાજપના ૫૦ હજારથી વધુ આગેવાનો-કાર્યકર્તાઓ વડા પ્રધાન મોદીની ‘મન કી બાત’ સાંભળીને ૨૫ લાખ લોકોનો સંપર્ક કરીને સંવાદ કરશે, જેમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ, રાષ્ટ્રીય નેતાઓ, કેન્દ્રીય પ્રધાનો, સાંસદથી લઈને સરપંચ સુધીના લોકો કામે લાગશે અને ગામડે ગામડે ફરશે. તેમજ ગુજરાત સરકારની કામગીરી લોકો સુધી પહોંચાડશે. આ સમયગાળા દરમિયાન પેજ પ્રમુખ અને બૂથ સમિતિની પણ રચના કરાશે. સરકારની કામગીરી પત્રિકા સ્વરૂપે લોકોને અપાશે.