ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 16 મે 2022 (14:38 IST)

ઉનાળાના આકરા તાપ વચ્ચે રાજ્યમાં ગંભીર બની શકે છે પાણીની સમસ્યા, અડધો અડધ ડેમ ખાલી

drinking water
ગુજરાતમાં ચોમાસામાં આમ તો સારો એવો વરસાદ પડે છે. છતા ભરઉનાળે લગભગ દર વર્ષે પાણી સમસ્યા ઉભી થાય છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પાણીની તંગી હાલ ખૂબ તીવ્ર બની છે. જેને કારણે સરકાર દ્વારા ઘણા ડેમોમાં નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.  ટેન્કર દ્વારા ત્યાં પાણી પહોંચાડવાના પ્રયાસ થઈ રહ્યા છે છતા ગામ તરસ્યુ છે.  બીજી તરફ, રાજ્યના 17 મુખ્ય ડેમમાં હાલની સ્થિતિએ માત્ર 46 ટકા પાણીનો જથ્થો રહેલો છે. જો આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું નહીં રહે તો આગામી વર્ષે પણ પાણીની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.
 
207 ડેમમાં  46 ટકા જેટલો પાણીનો જથ્થો
સામાન્ય રીતે કચ્છમાં પાણીની સમસ્યા ઉભી થાય છે. કચ્છ બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ જળસંકટની સ્થિતિ ઊભી થઈ રહી છે. ગુજરાતના 207 ડેમમાં અત્યારે 46 ટકા જેટલો પાણીનો જથ્થો બચ્યો છે. જોકે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ કફોડી સ્થિતિ છે, ત્યાંના 15 ડેમમાં માંડ 13.69 ટકા જેટલું પાણી છે, જ્યારે કચ્છના 20 ડેમમાં 16.90 ટકા જેટલો પાણીનો સંગ્રહ બચ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રના 141 ડેમમાં હવે 32.59 ટકા પાણીનો સંગ્રહ બચ્યો છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી આસપાસનાં ક્ષેત્રોમાં પીવાના પાણી માટે પોકાર ઊઠ્યો છે. રાજ્યના છેવાડાના વિસ્તારોમાં પાણી માટે ટેન્કરોની દોડાદોડ થઈ રહી છે.
 
પાણી અને ઘાસચારાની અછત વચ્ચે અબોલ પશુઓનાં મોત
અત્યારે રાજ્યના કચ્છ સહિતના છેવાડાનાં 50 જેટલાં ગામોમાં રોજનાં ટેન્કરોના 100 જેટલા ફેરા થઈ રહ્યા હોવાનું સૂત્રો કહે છે. પાણી અને ઘાસચારાની અછત વચ્ચે બનાસકાંઠામાં અબોલ પશુઓનાં મોત થઈ રહ્યાં હોવાની રજૂઆતો રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી હતી. આ સાથે પાણીનો પૂરતો જથ્થો પૂરો પાડવા માગણી થઈ છે. રાજ્યના નર્મદા અને કલ્પસર વિભાગના ડેટા પ્રમાણે બનાસકાંઠામાં અત્યારે પાણીનો જીવંત જથ્થો માંડ 4.86 ટકા છે, સાબરકાંઠામાં 3.79 ટકા, અરવલ્લીમાં 7.17 ટકા અને મહેસાણામાં 11.03 ટકા પાણીનો જીવંત જથ્થો બચ્યો છે.
 
મધ્ય ગુજરાતના 17 ડેમમાં 40.50 ટકા પાણીનો જથ્થો છે
કચ્છમાં 10.56 ટકા તથા સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકામાં 3.37 ટકા, બોટાદમાં 7.65 ટકા, જામનગરમાં 20.47 ટકા, જૂનાગઢમાં 24.12 ટકા, પોરબંદરમાં 20.84 ટકા, સુરેન્દ્રનગરમાં 19.53 ટકા પાણીનો જીવંત જથ્થો બચ્યો છે. ગુજરાતમાં અત્યારે ડેમોમાં પાણી મામલે સારી સ્થિતિ દક્ષિણ ગુજરાતની છે, જેના 13 ડેમમાં 54.25 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં 52.06 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 40.50 ટકા પાણીનો જથ્થો છે.