શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 16 મે 2022 (08:47 IST)

રાજકોટના કાલાવડ રોડ પર પૂરપાટ ઝડપે આવતી ફોર્ચ્યુનરે એક્ટિવા ચાલકને અડફેટે લીધો,સારવાર બાદ મોત નિપજ્યું

રાજકોટમાં આજે કાલાવડ રોડ પર બે અકસ્માત થયા છે. પહેલા બનાવમાં કોસ્મોપ્લેક્ષ સિનેમા પાસે પૂરપાટ ઝડપે આવતી ફોર્ચ્યુનર કારે એક્ટિવાચાલકને અડફેટે લીધો હતો. જેમાં એક્ટિવા સાથે યુવાન પાંચ ફૂટ હવામાં ફંગોળાઇને રસ્તા પર ધડામ કરતો પટકાયો હતો. એક્ટિવાચાલક યુવાનના ઘરે લગ્નપ્રસંગ હોઇ કંકોત્રી આપવા જતો હતો. ત્યારે અકસ્માત નડતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો. જેમાં સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મનીષ તેરૈયા નામનો 27 વર્ષીય યુવાનનું પિતરાઈ બહેનના લગ્નની કંકોત્રી આપવા માટે જઈ રહ્યો હતો. જે દરમિયાન ફોર્ચ્યુનર કારે તેને અડફેટે લીધો હતો. જેમાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. મૃતક યુવક નિવૃત પીઆઇ ભુપતભાઇ તેરૈયાના પુત્ર હોવાનું પણ જાણવા મળ્યું છે.રાજકોટના કાલાવડ રોડ પર પૂરપાટ ઝડપે જતી સ્કોર્પિયો કાર અચાનક ડિવાઇડર પર ચડી ઉંધી વળી ગઈ હતી. ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર પર ઉંધા માથે પટકાઇ હતી. જોકે, આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી. કારના ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે કારમાં મોટું નુકસાન પહોંચ્યું હતું.આ કારનો અકસ્માત થતા જ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ચાલકને સહી સલામત રીતે બહાર કાઢ્યો હતો. સદનસીબે આજુબાજુમાં વાહનો પસાર થતા ન હોવાથી સદનસીબે કોઇ જાનહાનિ થઈ નથી.આઠ દિવસ પહેલા મહિલા કોલેજ અંડરબ્રિજ ચોકમાં સિટી બસ અને એક્સેસ વચ્ચે અકસ્માત થયાની ઘટના સામે આવી હતી. અહીં મહિલાના વાહન સાથે સિટી બસ અથડાતાં મામલો બિચક્યો હતો અને એક યુવકે બસ પર ચડીને ડ્રાઈવરને ફટકાર્યો હતો. આ અકસ્માતમાં એક યુવતી ઈજાગ્રસ્ત થતાં તેને 108 મારફત હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સિટી બસના ચાલક તથા એક્સેસના ચાલક મહિલા વચ્ચે પણ ઝઘડો થતાં ઘટનાસ્થળે પોલીસ પહોંચી હતી અને સિટી બસના ચાલકની ધરપકડ કરી હતી. આ ઘટનાને પગલે ભારે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.