રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , ગુરુવાર, 29 ઑગસ્ટ 2019 (16:27 IST)

અમદાવાદમાં ૮ ઈલેક્ટ્રીક બસોને અમિત શાહે લીલીઝંડી આપી કરાવ્યું પ્રસ્થાન, અમદાવાદ શહેર અને જિલ્લામાં ૨૪.૬૦ લાખ વૃક્ષોનું

કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ હેઠળની જોગવાઈઓ રદ કરાયા બાદ પ્રથમ વખત ગુજરાત આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાયેલા મિશન મિલિયન ટ્રીઝના સમાપન સમારોહમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ મંત્રીએ પોતાના સંસદીય મતક્ષેત્રમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયેલા યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રદુષણમુક્ત અને પર્યાવરણપ્રિય શહેરી વાતાવરણ મળે એ માટે ૮ ઈલેક્ટ્રીક બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન પણ કરાવ્યું હતું. 
 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રધાનમંત્રીનો પર્યાવરણ જાળવણીનો વૈશ્વિક સંદેશ નગરજનોને સમજાવ્યો હતો. તેમણે જણાવ્યું કે પેરિસમાં જલવાયુ પરિવર્તન અંગેની બેઠકમાં પર્યાવરણ આંતરરાષ્ટ્રીય સમજૂતીના અમલમાં ભારતને વૈશ્વિક નેતૃત્વ આપવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાનને દેશની જનતાએ ઝીલી લીધું છે. ગ્લોબલ વોર્મિંગ અને કલાયમેટ ચેન્જની સમસ્યાના નિવારણ માટે ભારતે પહેલ કરીને પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દુનિયાને નવો રાહ બતાવ્યો છે. એમણે કહ્યું કે ઓઝોનનું સ્તર, કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોકસાઈડના સતત ઉત્સર્જનથી ઘટી રહ્યું છે, ત્યારે વૃક્ષ, નદી, પૃથ્વી જેવી પ્રકૃતિની ભેટને રક્ષવાની ભારતીય સંસ્કૃતિની પરંપરાને આપણે જાળવી રાખવી જોઈએ.
 
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ બીજીવાર પ્રધાનમંત્રી બન્યા બાદ જળ શક્તિ માટેનું અલગ મંત્રાલય બનાવીને સમગ્ર વિશ્વને માર્ગદર્શ પૂરું પાડ્યું છે. જળ સંચય, જળ બચાવ, કાર્યક્ષમ સિંચાઈ પદ્ધતિઓ અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ જેવી વિભાવનાઓની પરિપૂર્તિ આ મંત્રાલય સાકાર કરશે. અમિત શાહે નાગરિકોને પર્યાવરણ જાળવણીની અપિલ કરતાં જણાવ્યું કે પૃથ્વી આપણી માતા છે, એનું દોહન કરાય કરાય પરંતુ શોષણ ના કરાય. મોટા પાયે વૃક્ષો વાવવાના અને ઉછેરવાના અભિયાનમાં જનભાગીદારી સુનિશ્ચિત કરવાનું અમિતએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જે માર્ગદર્શન આપ્યું હતું તે હેઠળ મોટી સંખ્યામાં સમાજના તમામ વર્ગોએ વૃક્ષઉછેર અને વાવેતરમાં જે સહયોગ આપ્યો છે તે માટે તેમણે આભાર વ્યકત કર્યો હતો. 
 
અમદાવાદમાં પોતાના સંસદીય ક્ષેત્રની રહેણાંક સોસાયટીઓના ચેરમેન/સેક્ર્ટરીઓને લખેલા પત્ર અને તે અન્વયે ૩૨૧૬ સોસાયટીઓ તરફથી મળેલ લેખિત વિધેયાત્મક પ્રતિસાદનો ઉલ્લેખ કરતાં અમિત શાહે કહ્યું કે અમદાવાદ શહેરમાં છેલ્લા ૩ માસમાં ૧૦ લાખ ૮૭ હજાર વૃક્ષો જ્યારે સમગ્ર અમદાવાદ જિલ્લામાં અંદાજે ૨૪ લાખ ૬૦ હજાર વૃક્ષોનું વાવેતર થયું છે. આ વૃક્ષોથી અમદાવાદના જનજીવનમાં ગુણાત્મક પરિવર્તન આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાના પત્રમાં ૧૦૦ વર્ષથી વધુ આયુષ્ય ધરાવતા વૃક્ષો જેવા કે વડ, પીપડો, ખાટી આંબલી, રાયણ, બોરસલી વગેરેના સોસાયટી દીઠ ઓછામાં ઓછા ૫ વૃક્ષો વાવવાનું કેન્દ્રીય ગૃહમંત્રીએ આહવાન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૩મા સ્વાતંત્રય દિવસે ‘‘પ્લાસ્ટીક મુકત ભારતના’’ જાહેર કરેલા સંકલ્પમાં સહભાગી થવા ગુજરાતની અને ખાસ કરીને અમદાવાદની બહેનો-માતૃશકિતને અનુરોધ કર્યો હતો. 
 
તેમણે મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિ ઉજવણી અવસરે હરેક વ્યકિત એકાદ નાનો સંકલ્પ કરીને દેશ માટે જીવી જાણે અને ગાંધીમૂલ્યોને સમાજમાં પ્રસ્થાપિત કરે તેવી અપિલ કરી હતી.   
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સમારોહમાં જાહેર કર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ દેશમાં ઇલેક્ટ્રીક વાહનોના વપરાશ ને વેગ આપવા કરેલા આહવાનમાં ગુજરાત લીડ લેશે. એમણે અમદાવાદ મહાનગરમાં ૧૦ લાખ વૃક્ષો વાવવાના અભિયાનનું સમાપન અને અમદાવાદ મહાનગરમાં નવી ૮ ઈલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરતા કહ્યું કે આગામી સમયમાં અમદાવાદ મહાનગરમાં ૫૦૦ ઈલેક્ટ્રિક બસ નાગરિકોની સેવામાં મુકાશે. 
 
તેમણે સીએનજી-પીએનજીનો વ્યાપક ઉપયોગ થાય, રસ્તા ઉપર વાહનોથી થતો ધુમાડો દુર થાય અને પ્રદુષણમુકત વાતાવરણ રહે તે માટે વધુને વધુ લોકો ઇ-વ્હીકલ વાપરતા થાય એ દિશામાં ગુજરાત સરકાર આગળ વધશે તેમ પણ ઉમેર્યુ હતું. વિજય રૂપાણીએ ગુજરાતનો વિકાસ પ્રદુષણમુકત અને ગ્રીન-કલીન ગુજરાતથી કરવાની પ્રતિબધ્ધતા દોહરાવી હતી. વિજય રૂપાણીએ કહ્યું કે, આજે અમદાવાદ મહાનગરમાં પરિવહન માટે મુકાયેલી નવી ઇ-બસ મેઇક ઈન ઈન્ડિયા અંતર્ગત સંપૂર્ણ ભારતીય બનાવટની છે અને તેનો પ્રથમ ઉપયોગ કરવાનું ગૌરવ દેશમાં  ગુજરાતે મેળવ્યું છે.
 
મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ સાથે ગુજરાતે જળ સંચય માટે જે જનભાગીદારી અભિયાન સુજલામ સુફલામથી ઉપાડ્યું છે તેની સફળતા વર્ણવતા કહ્યું કે નદી, નાળા, તળાવોની સફાઈ અને વરસાદી પાણીના સંગ્રહ માટેના આ અભિયાનથી ગુજરાત દેશનું માર્ગદર્શક રાજ્ય બન્યું છે. વિજય રૂપાણીએ રાજ્યમાં નાગરિક સુખાકારી સુવિધાઓ સર્વ શ્રેષ્ઠ બને એ દિશામાં આગળ વધ્યા છીયે એમ પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું.