શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 જાન્યુઆરી 2020 (11:46 IST)

સ્કિલ્ડ યુવાનો થકી દેશ 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનશે: ગૃહમંત્રી અમિત શાહ

કલોલ તાલુકાના નાસ્મેદ ગામે નિર્માણ પામનાર દેશની ત્રીજી ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સ્કીલ (IIS)નું ખાતમુહૂર્ત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે સ્કીલ્ડ યુવાનો જ તેમની ઉદ્યમશીલતાથી ભારતને 5 ટ્રીલીયન ડોલર ઇકોનોમી બનાવશે અને 2024 સુધીમાં ભારત નિશ્ચિતરૂપે આ સિદ્ધિ મેળવશે. અમિત શાહે કહ્યું કે નકારાત્મક માનસિકતા ધરાવતા લોકો બેરોજગારીની વાત કરે છે પણ તેમણે 50 વર્ષના શાસનમાં કોઇ નવો રસ્તો શોધ્યો નથી. આ પ્રકારની સ્કીલ ઇન્સ્ટીટ્યુટ રોજગારી માટેનો રાજમાર્ગ બનશે. આ સંસ્થામાં દર વર્ષે 5 હજાર યુવાનો પ્રશિક્ષણ મેળવશે અને મને ખાત્રી છે કે 70 ટકા યુવાનોને સંસ્થા છોડતા પહેલા જ પ્લેસમેન્ટ મળી જશે. આ સંસ્થાને કારણે રોજગારીની સાથે ગુજરાતના યુવાનોને એક્ઝીલરી ઇન્ડસ્ટ્રી અંગેની દિશા પણ મળશે. યુવાનો ભલે શરૂઆત પ્લેસમેન્ટથી કરે પરંતુ ઉદ્યમી બનીને જોબ ક્રિએટર બને, કેમકે નાની શરૂઆતથી જ મોટું લક્ષ્ય સાકાર કરી શકાતું હોય છે. કેટલાક તજજ્ઞો ભારતની વસતીને જવાબદારી માને છે પરંતુ અમે તેને તાકાત માનીએ છીએ. જે દેશમાં 70 ટકા વસતી યુવાનોની હોય તો તે સૌથી મોટું બજાર છે અને સૌથી વધુ સ્કીલ ઉપલબ્ધ છે. આઇઆઇએસનું નિર્માણ અને સંચાલન ટાટા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં ટાટા ગૃપના ચેરમેન રતન ટાટા પણ ઉપસ્થિત હતા. અમિત શાહે તેમને દરખાસ્ત કરી હતી કે ગુજરાતની 272 આઇટીઆઇને આઇઆઇએસ સાથે જોડીને તેના કોર્સ, ટીચર્સ, સુવિધાઓ અપગ્રેડ કરવામાં આવે તો ત્યાં પ્રશિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓને ફાયદો થશે. આ પ્રસ્તાવનો સ્ટેજ ઉપરથી જ રતન ટાટાએ સ્વીકાર કર્યો હતો.મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે રોજગારીના સર્જનમાં ગુજરાત 86 ટકા સાથે અગ્રેસર છે ત્યારે આ પ્રકારની સંસ્થા ઘણી મહત્વની બની રહેશે. એલએન્ડટીના ચેરમેન અનિલ નાયકે કહ્યું કે જર્મની તેના સ્કીલ ડેવલપમેન્ટને કારણે ટૂંકાગાળામાં 10 ટ્રીલિયન ડોલરનું અર્થતંત્ર બની ગયું છે.