શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2022 (13:19 IST)

આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકનો પ્રવીણ કુમારે સંભાળ્યો પદભાર , હવે જિલ્લાની આ સમસ્યાને કરશે દૂર

Superintendent of Police Praveen Kumar
ભારતીય પોલીસ સેવાની ગુજરાત કેડરના વર્ષ ૨૦૧૬ ની બેચના આઈ.પી.એસ. અધિકારી પ્રવીણ કુમારે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકેનો પદભાર સંભાળી લીધો છે.  યુ.પી.એસ.સી. ની પરિક્ષા પાસ કરી આઈ.પી.એસ. બન્યા બાદ પ્રવીણ કુમારે કરાઈ ટ્રેનિંગ સેન્ટર ખાતે ૧ માસની તાલીમ લઈ સૌ પ્રથમ ગીર સોમનાથ જિલ્લામાં તલાલા ગીર ખાતે તેમના પ્રોબેશન સમય દરમિયાન ફરજ બજાવી હતી. ત્યારબાદ દોઢ વર્ષ સુધી વિરમગામ ખાતે એ.એસ.પી. તરીકે અને એ પછી તેમની નિમણૂંક રાજકોટ શહેરમાં ડીસીપી ઝોન-૧ ખાતે થતાં તેમણે તેમની ફરજની સાથે ડી.સી.પી. ટ્રાફિક અને સાયબર ક્રાઇમનો વધારાનો હવાલો પણ સંભાળ્યો હતો.
 
૩૩ વર્ષીય પ્રવીણકુમાર મૂળ રાજસ્થાનના અલવરના વતની છે, પોલીસ અધિક્ષક પ્રવિણકુમારના પિતા પણ ઈન્ડીયન રેવન્યુ સર્વીસમાં પુના ખાતે ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. જેના કારણે તેમનું પ્રાથમિક શિક્ષણ પૂના ખાતે અને ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ મુંબઈ ખાતે થયો હતો. ત્યારબાદ તેમણે આઇ.આઇ.ટી. બોમ્બે ખાતેથી બી.ટેક અને એમ.ટેક.માં મિકેનિકલ એન્જિનિયરિંગની પદવી મેળવી હતી. વર્ષ ૨૦૧૧ માં તેઓએ યુ.પી.એસ.સી.ની તૈયારીઓ શરૂ કરી, જેમાં તેઓને વર્ષ ૨૦૧૬ માં સફળતા મળતા તેઓ આઇ.પી.એસ. અધિકારી બન્યા.
 
પોલીસ અધિક્ષક પ્રવીણ કુમારે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, મારી કારકિર્દીની શરૂઆતથી આજ દિન સુધીની મારી ફરજ દરમિયાન સૌ પ્રથમવાર મને આણંદ જિલ્લામાં પોલીસ અધિક્ષક તરીકે સ્વતંત્ર કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. તેમણે આણંદ જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાય તે માટેના કાર્યને પ્રાધાન્ય આપવાનું જણાવી આગામી દિવસોમાં આવનાર વિધાનસભાની ચૂંટણી નિષ્પક્ષ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પુર્ણ થાય તેને પ્રાથમિકતા આપવાની સાથે જિલ્લાની ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થાય અને સાયબર ક્રાઇમની બાબતને પણ અગ્રીમતાના ધોરણે હાથ ધરવાની નેમ વ્યક્ત કરી હતી.