શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 ડિસેમ્બર 2021 (12:50 IST)

આણંદ જિલ્લામાં સોજિત્રા સતકૈવલ મંદિરના ગાદીપતિ નિર્ભયદાસ મહારાજ મૃત્યુની વાત કરતા જ ઢળી પડ્યાં

સોજિત્રામાં આવેલા સતકૈવલ મંદિરના ગાદીપતિ નિર્ભયદાસજી મહારાજ ઋણજ ગામમાં એક કથા પ્રવચન દરમિયાન નિર્વાણ પામ્યા. તેમના નિધન પહેલાનો અંતિમ શબ્દ ‘સતકૈવલ’ સાહેબ હતો ઉપરાંત સૌથી મહત્વની બાબત એ છે કે તેમના છેલ્લા ધાર્મિક પ્રવચનનો સૌથી છેલ્લો વિષય પણ મૃત્યુ હતો.

તેમનું નિર્વાણ ગત 12 ડિસેમ્બરે ઋણજ ગામની એક ધાર્મિક કથા દરમિયાન થયું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં તેમને એવું કહેતા સાંભળવામાં આવે છે કે માનવીનો જ્યારે જીવ જતો હોય ત્યારે તેમાં કેટલીક ક્રિયા થકી પરિવારજનો વિઘ્ન ઊભું કરતા હોય છે.તેઓના છેલ્લા વાક્યો આ મુજબ હતા… ‘‘એક જણને જમાડીએ તો એક કુંડી યજ્ઞનું ફળ મળે છે, નવ જણને જમાડે તો નવચંડી યજ્ઞ થઇ જાય છે અને હજાર જણને જમાડે તો સહસ્ત્ર કુંડી યજ્ઞ થઇ જાય છે પછી માણસના અવતારની અંદર ભક્તિ કરતા કરતા પછી જ્યારે મરવાનો સમય થાય ત્યારે તે વખતે તેણે આખી જિંદગી જે ભક્તિ કરી હોય તેનું સ્મરણ કરતો હોય છે. મરણ પથારીએ પડેલો જે જીવ હોય તે માલિકનું સ્મરણ કરતો હોય છે પણ એને આપણા કુટુંબવાળા તેને નર્કમાં મોકલી આપે છે. આપણા કુટુંબવાળા અને ખાસ કરીને બહેનોને એવી ટેવ હોય છે કે મરવાના ટાઇમે કહે છે કે એને ગંગાજળ મૂકો, તેને તુલસીનું પાન મૂકો. વિચાર કરો કે ભગવાનનું સ્મરણ કરતો હોય જીવ અને આપણે ગંગાજળ મૂકીએ, પાણી મૂકીએ તો એની વૃત્તિ તૂટી જાય કે નહીં.. તેની પ્રાર્થનામાં ભંગ પડે એટલે એને સારી રીતે મરવા પણ દઇએ નહીં…. સતકૈવલ સાહેબ…’’ આટલું બોલીને તેઓ ઢળી પડ્યા હતા.