સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (16:55 IST)

ધંધૂકા હત્યા કેસમાં વધુ એક આરોપી ઝડપાયો - રાજકોટમાં અજીમ સમાને જંગલેશ્વરના રમીઝ સેતાએ હથિયાર આપ્યું હતું, ઢસાથી પોલીસે પકડી ATSને સોંપ્યો

-કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ

ધંધૂકામાં કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે. અમદાવાદના મૌલાનાને હથિયાર આપનાર રાજકોટના અજીમ સમાની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી. અજીમને રાજકોટના જંગલેશ્વરના રમીઝ સેતાએ હથિયાર આપ્યાનું ખુલતા તે નાસતો ફરતો હતો. પરંતુ આજે ભાવનગરના ઢસાથી પોલીસે તેની ધરપકડ કરી ATSને સોંપ્યો છે. 
 
અમદાવાદના મૌલાનાને અજીમે હથિયાર આપ્યું હતું
અમદાવાદના ધંધુકામાં થયેલ કિશન ભરવાડ નામના યુવકની હત્યા કરવા સમયે ઉપયોગમાં લેવાયેલું હથિયાર રાજકોટથી સપ્લાય થયું હતું. આથી રાજકોટ સુધી પોલીસ તપાસના તાર લંબાયા હતા. શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દૂધસાગર રોડ પર રહેતા અજીમ બસીરભાઈ સમા નામના શખ્સે મૌલાના સુધી હથિયાર પહોંચાડ્યું હતું. આ માટે અજીમ સમાને પકડવા માટે અમદાવાદ પોલીસની એક ટીમ ત્રણ દિવસ પહેલા રાજકોટ આવી હતી પરંતુ અજીમ ફરાર થયો હોવાથી અજીમ તેના હાથે લાગ્યો ન હતો. પરંતુ બીજા દિવસે તે હાથ લાગ્યો હતો.
 
પાકિસ્તાની સંગઠન સાથે મૌલાના જોડાયેલો
મૌલાના કમરગની ઉસ્માનીએ ATSની પૂછપરછમાં પોતે પાકિસ્તાનના કરાચીમાં આવેલા દાવત-એ-ઇસ્લામી સંગઠન સાથે જોડાયેલો હોવાનું ખૂલ્યું હતું. આ પાકિસ્તાની સંસ્થા અમદાવાદ, ગુજરાત સહિત દેશ અને દુનિયામાં ઇસ્લામિક એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ ચલાવે છે.
 
યુવાનોનું બ્રેનવોશ કરી હિંસક બનાવાતા
પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે અમર ગનીએ છેલ્લા 6 મહિનાથી ગુજરાતનાં અલગ અલગ શહેરોની મુલાકાત લીધી હતી. તે ગઝવે હિંદ નામનો ભારતવિરોધી પાકિસ્તાની એજન્ડા લઈને કામ કરી રહ્યો હતો અને ઈન્સ્ટિટ્યૂટની આડમાં યુવાઓનું બ્રેનવોશ કરીને તેમને હિંસક બનાવાઈ રહ્યા હતા. આટલું જ નહીં, પાકિસ્તાનના કેટલાક આતંકીઓ સાથે પણ મૌલાનાની સંડોવણી હોવાનું ખૂલ્યું હતું તથા ત્રિપુરામાં થયેલી હિંસક બબાલમાં પણ મૌલાના કમર ગની ઉસ્માનીની સંડોવણી સામે આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે ગુજરાત ATS કમલેશ તિવારીની હત્યા કેસમાં પણ તેની પૂછપરછ કરશે.
 
કિશન ભરવાડની હત્યા કેસમાં 7ની ધરપકડ
ધંધૂકાના કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. બે દિવસ પહેલા રાજકોટ SOGએ મિતાણા ગામ પાસેથી અજીમ સમા નામના આરોપીની ધરપકડ કરાઈ હતી. આ આરોપીએ મૌલાનાને હથિયાર મોકલાવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, SOGએ આરોપીને ATSને સોંપ્યો હતો. જ્યારે આગલા દિવસે સાંજે મોરબીની બી ડિવિઝન પોલીસે અજીમના ભાઈ વસીમને પકડી પાડ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
 
સમગ્ર બનાવ શું હતો?
25 જાન્યુઆરીએ મંગળવારે કિશન ભરવાડ નામનો યુવક જૂના ઘર પાસેથી પસાર થતો હતો. ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. ઘટનાને પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો. જ્યાં સુધી આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની માગ કરાઈ હતી. જો કે આગેવાનો અને પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારી લેવાયો હતો.