1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 નવેમ્બર 2021 (16:57 IST)

અમદાવાદમાં વધુ એક સિનિયર સિટિઝનની હત્યા, સાબરમતી વિસ્તારમાં હત્યારાએ ઘરમાં ઘૂસી વૃદ્ધનું ગળું કાપ્યું

અમદાવાદમાં વધુ એક સિનિયર સિટિઝનની હત્યા થઈ છે. સાબરમતી વિસ્તારમાં હત્યારાએ વૃદ્ધના ઘરમાં ઘૂસી ગળે છરી મારીને ક્રૂર હત્યા કરી છે. ત્યાર બાદ ઘરમાંથી સોનાની ચેન, મોબાઈલ તેમજ બાઈક પર ગાયબ થયાં છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી છે. પંદરેક દિવસ પહેલાં પણ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતીની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે શહેરમાં વધુ એક આવી ઘટના સામે આવતાં પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે.સાબરમતી વિસ્તારમાં આવેલા ઠાકોર વાસમાં રહેતા 62 વર્ષના દેવેન્દ્ર રાવત નામના સિનિયર સિટિઝનની લાશ લોહીમાં લથપથ પડી હતી. કોઈ અજાણી વ્યક્તિએ દેવેન્દ્રભાઈના ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારતાં તેમનું મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણ થતાં સાબરમતી પોલીસની ટીમ બનાવના સ્થળે પહોંચી હતી, જ્યાં તપાસ કરતાં દેવેન્દ્રભાઈના ઘરમાંથી મોબાઈલ, સોનાની ચેન અને બાઇકની ચોરી થઈ હતી. હાલ આ બનાવમાં પોલીસે લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની શકના આધારે તપાસ શરૂ કરી છે.અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં મંગળવાર(2 નવેમ્બર)ની સમી સાંજે ભરચક વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં ત્રીજા માળના 11 નંબરના ફ્લેટમાં જઈને સિનિયર સિટિઝન દંપતીની હત્યા કરવામાં આવી હતી. વૃદ્ધ દંપતી એવા દયાનંદ શાનભાગ(ઉં.વ.90) અને તેમનાં પત્ની વિજ્યાલક્ષ્મી (ઉં.વ.80)ના આ મર્ડરને લઈ હાલ રહસ્ય ઘેરાયું હતું. પોલીસને લૂંટના ઈરાદે હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આ હત્યા પાછળ કોઈ જાણભેદુ અથવા તો પ્રોફેશનલ મર્ડરર હોવાની શક્યતા હતી. હત્યારાઓએ ફૂડ ડિલિવરી બોય બનીને રેકી કરી હોવાની પણ શક્યતા નકારી શકાય તેમ નથી.મંગળવાર(2 નવેમ્બર) સાંજના 6 વાગ્યાની આસપાસ આ દંપતીની પૌત્રી રિતુ દિવાળીની ખરીદી કરવા ગઈ હતી. બરાબર આ જ સમયે હત્યારાઓ ત્રાટક્યા હતા. હવે સૌથી મોટો સવાલ એ છે કે હત્યારાઓને દંપતી ઘરમાં એકલું જ હોવાની કેવી રીતે જાણ થઈ? હત્યારાઓ ઘરમાં પ્રવેશ્યા એ સમયે દયાનંદભાઈને બેડ પર જ ચપ્પુના ઘા મારી પતાવી દીવાયા હતા, જ્યારે તેમનાં પત્ની વિજ્યાલક્ષ્મીબેનથી ચલાતું ન હોવાથી તેઓ ખુરશી પર બેઠાં હતાં, ત્યાં તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં હતાં. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઘરની તિજોરી ખુલ્લી હતી.