શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 નવેમ્બર 2021 (12:53 IST)

USના ડ્રગ્સ ડીલરનો સંપર્ક કરી ક્રિપ્ટો કરન્સીથી પેમેન્ટ કર્યુ, ગાંજો સહિતનું ડ્રગ્સ મંગાવનાર 2 શખસને અમદાવાદ SOGએ ઝડપ્યા

બે શખસે અમેરિકાથી ઓન લાઈન ડાર્ક વેબ મારફતે ઈન્ટરનેશનલ ડ્રગ્સ ડીલરોનો સંપર્ક કર્યો હતો. પછી હવાલા સિસ્ટમથી ક્રિપ્ટો કરન્સી મારફતે પેમેન્ટનું ચૂકવણું કરી બાય કાર્ગો એર કુરિયર મારફતે પ્રોહિબિટેડ નશાકારક પદાર્થો મંગાવ્યા હતા. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં તેનો ગેરકાયદેસર વેપાર કરતા હતા. બંને ઈસમોને અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.એ અમેરિકન હાઇબ્રિડ ગાંજો, અમેરિકન ચરસ, લોકલ ચરસ, મેઝીક મશરૂમ તથા શેટર જેવા નશાકારક ડ્રગ્સ દ્રવ્યો સાથે ઝડપી પાડ્યા હતા. ડ્રગ્સના દૂષણને ડામવા માટે અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી. શાખા દ્વારા અલગ અલગ ટીમો બનાવી ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. એસઓજીના કોન્સ્ટેબલ મહિપાલસિહ સુરેન્દ્રસિહને બાતમી મળી હતી કે, બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વંદિત ભરત પટેલ (રહે- સેટેલાઇટ આનંદનગર, અમદાવાદ) તથા પાર્થ પ્રતીશકુમાર શર્મા (રહે- વેજલપુર અમદાવાદ)ઓ પોતાની કીયા સોનેટ નં.જી.જે.-01-ડબલ્યુ.એ.-5937 વાળીમાં નશાકારક માદક પદાર્થનો જથ્થો વેચાણ કરવા આવશે. ડ્રગ્સ સાથે રાખીને બોપલ કબીર એન્કલેવ ચોકડી તરફથી ઈસ્કોન ફ્લોરા ચોકડી થઇ ઘુમા ચોકડી તરફ મોડી રાત્રીના એક વાગ્યાથી પાંચ વાગ્યા દરમિયાન જનાર છે.બાતમીના આધારે એસ.ઓ.જી. શાખાની અલગ અલગ ટીમો બનાવી રેડ પાડવામાં આવી હતી. જેમાં બે ઇસમો ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએથી પ્રતિબંધિત નશાકારક ડ્રગ્સ સાથે ભારે જહેમતથી વંદિત પટેલ તથા પાર્થ શર્માને દબોચી લીધા હતા. પકડાયેલ બંને ઈસમો પાસેથી નાર્કોટિકસ અને સાયકોટ્રોપિક નશાકારક પદાર્થ તથા અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. હાલ પકડાયેલ બંને ઇસમોને અટક કરી સમગ્ર ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવા માટે તમામ બાબતનો ઝીણવટભરી અને ઊંડાણપૂર્વક તપાસ શરૂમાં છે.પકડાયેલા આરોપીની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી વંદિત પટેલ પોતે એજ્યુકેટેડ અને ઈન્ટરનેટ, ડાર્ક વેબ, ઇન્ટરનેશનલ ડ્રગ્સ ચેઈન, ક્રિપ્ટોકરન્સી બાબતે સારો એવો જાણકાર છે. વંદિતે ડાર્ક વેબ મારફતે ઇન્ટરનેશનલ ડ્રગ્સ ડીલરોનો ઓનલાઈન સંપર્ક કરી હવાલા સિસ્ટમ મારફતે વિદેશોમાં ક્રિપ્ટોકરન્સીથી ડ્રગ્સનું ચૂકવણું કરી બાય કાર્ગો એર કુરિયર મારફતે ગુજરાતમાં અલગ અલગ સરનામાં ઉપર ડ્રગ્સની સપ્લાય મંગાવી સમગ્ર ગુજરાત રાજ્યમાં ડ્રગ્સનો ગેરકાયદેસર વેપાર કરતો હોવાની હકીકત જણાઈ આવેલી છે. વધુમાં પકડાયેલું લોકલ ચરસ તેઓ દ્વારા હિમાચલ પ્રદેશ ખાતેથી લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળેલું છે.