સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 નવેમ્બર 2021 (14:46 IST)

અમદાવાદમાં દાદાના અવસાન બાદ બે બહેનોને મુંડન કરાવી કેન્સર પીડિત દર્દીઓ માટે વાળનું દાન કર્યું

માનસી મહેરિયાને સોશિયલ મીડિયામાંથી વાળનું દાન કરવાની પ્રેરણા મળી હતી. તાજેતરમાં દરિયાપુરની વિભૂતિ પરમારે હેર ડોનેટ કર્યાં હતાં
 
ભારતીય મહિલાની તેના વાળથી જ સુંદરતા નિખરે છે. વાળની માવજત માટે મહિલાઓ અનેક પ્રકારની હેર ટિપ્સ ફોલો કરતી હોય છે. અમદાવાદના વટવામાં રહેતી માનસી મહેરિયા અને તેની નાની બહેન જન્નતે પોતાના વાળ કેન્સરગ્રસ્ત લોકો માટે દાનમાં આપ્યાં છે. માનસીને પોતાના જન્મદિવસે જ મૂંડન કરાવી પોતાના વાળ ડોનેટ કરવાની ઈચ્છા હતી. પરંતુ આ સમયગાળા દરમિયાન તેમના દાદાનું નિધન થયું અને દાદાના નામે બંને બહેનોએ સામાજિક સેવા માટે વાળનું દાન કર્યું છે. 
 
કેન્સરગ્રસ્તો માટે કંઈક કરવાની ઈચ્છા હતી
આ અંગે માનસી મહેરિયાએ કહ્યું હતું કે, અનેક લોકો બીજાની સેવા માટે વાળનું દાન કરતાં હોવાનું મને સોશિયલ મીડિયામાં જાણવા મળ્યું હતું. મારી પણ કેન્સરગ્રસ્તો માટે કંઈક કરવાની ઈચ્છા હતી. જેથી મેં મારા વાળ દાન કરવા માટેની મનોમન તૈયારી કરી હતી. આ માટે મેં મારા પરિવારમાં વાત કરી હતી. પરંતુ સૌ પ્રથમ તો પરિવારમાં આ બાબતને લઈને જાણ કરી હતી. જેમાં મારી માતાએ મને હા કહી હતી. પરંતુ મારા પિતા તૈયાર નહોતા. જ્યારે મારા દાદાને પણ મારી આ વાત પસંદ આવી હતી. 
 
દાદાએ વાળ દાનમાં આપવા માટે સમર્થન આપ્યું
આ બાબતે પિતા અને દાદાએ મને સવાલ કર્યો હતો કે, એક વાર મુંડન કરાવ્યા બાદ ફરીવાર વાળ ક્યારે આવશે. ત્યારે મેં તેમને સમજાવ્યા હતાં કે થોડા સમયમાં ફરીવાર વાળ આવી જશે. આ ચર્ચા મારા ઘરમાં 10 નવેમ્બરે થઈ હતી અને 11 નવેમ્બરે દાદાની તબિયત નાદુરસ્ત થઈ હતી. જેથી તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. સારવાર બાદ દાદાનું અવસાન થયું હતું. મારા દાદાને કોઈ પૌત્ર નથી. એટલે અમે ત્રણ બહેનો જ તેમની માટે પૌત્ર સમાન હતી. તેઓ અમને પૌત્રી નહીં પણ પૌત્ર જ માનતા હતાં. તેઓ અમને દરેક બાબતે સપોર્ટ કરતાં હતાં. 
 
માનસીએ દાદાના નામે જ વાળ દાન કર્યાં
માનસીએ કહ્યું હતું કે હવે મારે મારા બર્થ ડે પર મુંડન કરાવવાનું હતું. જે શક્ય નહીં બનતાં મેં દાદાના નામે જ વાળ દાન કરવાનું વિચાર્યું હતું. દાદાની પાછળ ઘરના પુરૂષો મુંડન કરાવતા જ હોય છે. જેથી મેં પણ મુંડન કરાવવાનું વિચાર્યું. મારી સાથે મારી સૌથી નાની બહેને પણ તૈયારી બતાવી. અમે મુંડન કરાવ્યું અને અખબારનગરમાં કેન્સરગ્રસ્તો માટે વાળ દાનમાં લેતી સંસ્થામાં અમે જાણ કરી. મુંડન કરાવ્યા બાદ મારા પિતાજીને બંને બહેનો પર ગર્વ થયો હતો. 
 
સમાજ કંઈ પણ બોલે એની સામે કોઈ વાંધો નથી
આપણે એક સમાજમાં રહીએ છીએ જ્યાં અનેક પ્રકારની રૂઢીઓ હોય છે. કોઈ મહિલા કંઈક નવું કરે તો તેની સામે અનેક પ્રકારના વિરોધ ઉભા થાય છે. મારા આ કાર્ય બાદ અનેક લોકોએ વિરોધ કર્યો. પરંતુ મારો પરિવાર અમારી સાથે હતો. મારા પિતાએ અમને એવું કહ્યું કે આ તો સમાજ છે આજે બોલશે અને કાલે ભુલી જશે. સમાજને આના સિવાય કશું આવડતું જ નથી. આજે આ કામ કરીને અમે પણ બીજાની મદદ કરવાનો ગર્વ અનુભવીએ છીએ.