શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 13 નવેમ્બર 2021 (15:54 IST)

અમદાવાદમાં પતિના ત્રાસથી કંટાળેલી ચાર સંતાનોની માતાએ લગ્નના 12 વર્ષ પછી આત્મહત્યા કરી, પોલીસે પતિની અટકાયત કરી

અમદાવાદમાં પ્રેમ લગ્ન કરીને પતિ સાથે રહેનાર પરીણિતાએ લગ્નના 12 વર્ષ બાદ આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ચાર સંતાનોની માતાએ અગાઉ પણ પતિના ત્રાસના કારણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સંતાનોની ચિંતાના કારણે તેણે પગલુ ભર્યું નહોતું. ગત 6 તારીખે નદીમાંથી એક લાશ મળતાં આ લાશ સમીમબાનુની હોવાનું સામે આવતાં પોલીસે તેના પતિ વિરૂદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને અટકાયત કરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં સમીમબાનુ નામની મહિલાએ બાર વર્ષ પહેલાં વટવામાં રહેતાં અબ્દુલ માજિદ અન્સારી નામની યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. લગ્નજીવન દરમિયાન મહિલાએ ચાર બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં ત્રણ દિકરા અને એક દિકરી છે. આ યુવતીએ પ્રેમ લગ્ન કર્યાં હોવાથી શરૂઆતમાં તેના પિયરીયાઓ તેને બોલાવતા નહોતા. પરંતુ દીકરીને જન્મ આપ્યા બાદ તેને પિયરપક્ષે બોલાવવાનું શરૂ કર્યું હતું.લગ્ન બાદ ત્રણ ચાર વર્ષ સુધી તેના પતિએ તેને સારી રીતે રાખી હતી. પણ બાદમાં તકરાર કરીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

તે પત્નીને નાની નાની બાબતોમાં ઝગડો કરીને ત્રાસ આપતો હતો. જ્યારે જ્યારે સમીમબાનુ પિયરમાં આવે ત્યારે તેના પતિના ત્રાસની ફરિયાદ કરતી હતી. પરંતુ સંસાર ના બગડે તે માટે તેના ઘરવાળા સમજાવીને પરત મોકલતા હતાં. છતાંય તેનો પતિ તેને વાયર અને પટ્ટાથી મારતો હતો. સમીમબાનુએ તેના પતિ વિરૂદ્ધ વટવા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. ત્યાર બાદ તેનો પતિ તેને છુટા છેડા અપાવવાનું કહીને લઈ ગયો હતો. સમીમબાનુને પતિ પિયરમા જવા નહોતો દેતો. જેથી તે છુપાઈને પીયરમાં જતી હતી. સમીમબાનુએ પરિવારજનોને એવું પણ જણાવ્યું હતું કે તેનો પતિ કોઈ અજાણી સ્ત્રી સાથે વાત કરે છે અને પૂછે તો તેને મારે છે. સમીમબાનુનો પતિ તેને કોઈ એવી દવા આપતો જેથી તેને કંઈ પણ યાદ પણ રહેતું નહોતું અને સતત માથામાં દુખાવો થયા કરતો હતો.

થોડા માસ પહેલા સમીમબાનુએ ફાસો ખાઈ આપઘાત નો પ્રયાસ કર્યો પણ બાળકોની ચિંતા કરી આ પગલું ભર્યું નહોતું. ગત 4 તારીખના રોજ આ સમીમબાનુ પિયર આવી અને તેના પતિએ માર મારતા નાકની નથણી તૂટી ગઈ હોવાનું જણાવ્યું હતું. બાદમાં 6 તારીખના રોજ ઘરેથી શાક લેવાનું કહી નીકળી હતી પણ ઘરે પરત ન આવતા તેની શોધખોળ હાથ ધરી હતી. વોટ્સએપ મારફતે એક મહિલાની લાશ નદીમાંથી મળી હોવાનું જણાવતા તમામ લોકો ત્યાં પહોંચ્યા ત્યારે લાશ સમીમબાનુની હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે સમગ્ર મામલે મૃતક સમીમબાનુના પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી અટકાયત કરી છે.