અમદાવાદના યુવકને મોહજાળમાં ફસાવી ગાંધીનગરમાં ગોંધી રાખી ખંડણી માંગનારી યુવતી રાજસ્થાનથી ઝડપાઈ
અમદાવાદના યુવકને હનીટ્રેપમાં ફસાવનારી યુવતીને ઝડપી પાડવામાં આવી છે. અમદાવાદના યુવકને મોહજાળમાં ફસાવી ગાંધીનગરમાં ગોંધી રાખી યુવતીએ પ્રેમી સાથે ખંડણી માગી હતી જે યુવતી રાજસ્થાનથી ઝડપાઈ છે. અમદાવાદના યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યાં પછી પોતાની મોહજાળમાં ફસાવી ગાંધીનગરના વાવોલ ભાડાના મકાનમાં બોલાવી ચાર દિવસ સુધી સાગરિતો સાથે મળીને ગોંધી રાખ્યો હતો. યુવક પાસે પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગનારી હિના પ્રહલાદભાઈ રાણાવતની રાજસ્થાનથી ધરપકડ કરી લેવામાં આવી છે.
યુવતીનો પતિ કુવૈત જતો રહેતાં સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમી સાથે સંપર્કમાં આવ્યાં પછી હિનાએ અમદાવાદના યુવકને મોહજાળમાં ફસાવી પાંચ લાખની ખંડણીનું સમગ્ર કાવતરું રચ્યું હોવાનું પણ બહાર આવ્યું છે. અમદાવાદ વેજલપુર ખાતે રહેતાં અને દૂધ મીઠાઇનું પાર્લર ચલાવતાં મહેંદ્રસિંહ સિસોદીયાનાં ઈન્ટ્રાગ્રામ આઇડી પર બે મહિના અગાઉ હિના રાવ નામની યુવતીનો મેસેજ આવ્યો હતો. જે પછીથી બન્ને વચ્ચે પરિચય થયો હતો અને બન્ને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા હતા. ઘણીવાર વોટ્સઅપથી પણ વાતો થતી રહેતી હતી. ત્યારબાદ હિનાએ મહેન્દ્રને ગાંધીનગર વાવોલ સ્વર્ણિમ પેરેડાઇઝ સોસાયટી મકાન નંબર આઈ-801 ખાતે મળવા બોલાવ્યો હતો. જ્યાં બન્ને વચ્ચે સોસાયટીના ધાબા પર મુલાકાત થઈ હતી. જ્યાં હીનાએ મિત્રતા કેળવવાની વાતો કરતાં મહેન્દ્ર તેની મોહજાળમાં આવી ગયો હતો. એજ રીતે પાંચ દિવસ પછી હિનાએ બોલાવતા મહેન્દ્ર પાછો તેના ઘરે ગયો હતો. ત્યારે હિનાએ તેનો પતિ દુબઈમાં હોવાનું અને દીકરી સાસુ સસરા સાથે રહેતા હોવાની કહાની વર્ણવી હતી. યુવતીની વાતોમાં મહેન્દ્ર ભરમાઈ ગયો હોવાનું લાગતાં ગત તા. 25 મી ઓક્ટોબરના રોજ ફરીવાર હિનાનાં ઘરે બોલેરો કાર લઈને ગયો હતો. એ વખતે ઘરમાં કોઈ હાજર ન હતું અને થોડીક વાર પછી ડોરબેલ વાગતા હિનાએ ગભરાઈ જવાની એક્ટિંગ કરી મહેન્દ્રના મનમાં પણ ડર ઊભો કરી દીધો હતો. જેની વાતોમાં આવીને મહેન્દ્ર બીજા રૂમમાં સંતાઈ જતાં હિનાએ બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ બે ઈસમો રૂમમાં ધસી આવી તું કોણ છે તેમ કહી પટ્ટા અને ગડદાપાટુનો મહેન્દ્રને માર મારવા લાગ્યાં હતાં.
આ કાવતરાંથી અજાણ મહેન્દ્ર વધુ ગભરાઈ જતાં તેના ખિસ્સામાંથી મોબાઇલ ફોન, ત્રણ હજાર રોકડ અને ગાડીની ચાવી ઈસમોએ લઈ લીધી હતી. બાદમાં હિના સાથે જબરજસ્તી કરી હોવાનું કહી કેસ કરવાની ધમકીઓ આપી તેના હાથ દોરીથી બાંધી દઈ રૂમમાં પૂરી દીધો હતો. કેસથી બચવું હોય તો પાંચ લાખની ખંડણી માંગી મહેન્દ્રના ભાઈ તેજેન્દ્રને વિક્રમસિંહ ચૌહાણ નામનાં પોલીસની ઓળખ આપી હતી. આમ છતાં ખંડણીની રકમ નહીં મળતાં ચાર દિવસ સુધી મહેન્દ્રને ગોંધી રાખવામાં આવ્યો હતો. જે પછી મોકો જોઈને મહેંદ્ર નાસી જવામાં સફળ રહ્યો હતો. જે અંગે સેકટર - 7 પોલીસમાં ફરિયાદ દાખલ થતાં તપાસનો દોર શરૂ કરાયો હતો. આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મોબાઈલના સીડીઆર તેમજ બેંક એકાઉન્ટ ડિટેઇલ્સ મેળવતા હિના રાવનું સાચું નામ હિના પ્રહલાદભાઈ રાણાવત હોવાનું ખુલવા પામ્યું હતું. તેમજ તેની સાસરી રાજસ્થાનનાં બાસવાડા છે. જેનો પતિ કુવૈત ગયો હતો. આ દરમિયાન તે ફેસબુકનાં માધ્યમથી વાવોલ સ્વર્ણિમ પેરેડાઇઝ સોસાયટી મકાન નંબર આઈ-801 માં રહેતાં અરવિંદસિંગનાં સંપર્કમાં આવી હતી. અને બન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. બાદમાં ગાંધીનગર તેના પ્રેમી અરવિંદ સાથે રહેવાં આવી હતી અને બન્નેએ યુ ટ્યુબ ચેનલ પર વિડિઓ બનાવી રૂપિયા કમાવવાની ટ્રાય કરી હતી. પરંતુ તેમાં સફળતા મળી ન હતી. આ દરમિયાન સોશિયલ મિડિયાની શોખીન હિનાએ મહેન્દ્રસિંહને સોશિયલ મિડિયાનાં માધ્યમથી પોતાની મોહજાળમાં ફસાવી પ્રેમી અરવિંદ તેમજ અન્ય એક આરોપી દિનેશ સાથે મળી ખંડણીનું કાવતરું રચી ગાંધીનગરમાં ગોંધી રાખ્યો હતો. આ સમગ્ર કાવતરાનો માસ્ટર માઈન્ડ તેનો પ્રેમી હતો. મહેન્દ્રસિંહને ગોંધી રાખી વિક્રમસિંહ ચૌહાણ પોલીસ વાળા જેવો રુઆબ કરી હિના સાથે જબરજસ્તી કરવાનાં કેસમાં ફસાવી દેવાની ધાક ધમકીઓ આપતો હતો. હકીકતમાં તેનું સાચું નામ અરવિંદસિંહ છે. જે પણ ડુંગરપૂરનો હોવાનું જાણવા મળ્યું છે. હિનાને સંતાનમાં બે બાળકો છે જે તેના સાસુ સસરા સાથે રહે છે. જેની રાજસ્થાનથી ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા હતા. જેનાં રિમાન્ડ પૂર્ણ થતાં હાલમાં તેને સેન્ટ્રલ જેલ મોકલી આપવાની કવાયત ચાલી રહી છે.