બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 સપ્ટેમ્બર 2020 (15:52 IST)

આગામી દિવસોમાં ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં જાહેર શાંતિ-સલામતિ અને અવિરત વિકાસમાં રૂકાવટ ઊભી કરનારા ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં આવા તત્વોએ ગુંડા ગર્દી છોડવી પડશે અથવા

ગુજરાત છોડવું પડશે. મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયમાં ગુંડા વિરોધી કડક કાયદા માટે ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એકટ’- ઓર્ડિનન્સ બહાર પાડવા માટેનો પ્રસ્તાવ રજુ કરવાનો નિર્ધાર કર્યો છે. આ ઓર્ડિનન્સની દરખાસ્ત આગામી મંત્રીમંડળની બેઠકમાં રજુ કરવાના છે.
 
ગુજરાત વિકાસનું રોલ મોડેલ દેશ અને દુનિયા માટે બન્યું છે ત્યારે શાંતિ, સલામતિ અને સમૃદ્ધિ સાથે વિકાસની ગતિ વધુ વેગવંતી બનાવવામાં આ વટહુકમ નવું પ્રેરક બળ બનશે. રાજ્યમાં ગેરકાયદે જમીન પચાવી પાડનારા તત્વો-ભૂમાફિયાઓ-જુગાર-દારૂની પ્રવૃત્તિ કરનારાઓ સહિતના અસામાજીક તત્વોને સખ્ત નશ્યત કરવા ‘પાસા’ એકટમાં સુધારો કરવાનો તાજેતરમાં જ નિર્ણય કર્યો છે. 
 
ઉલ્લેખનીય છે કે, અગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ સંગ્રામ માંડતા એન્ટીકરપ્શનની કામગીરીને વધુ ધારદાર બનાવી છે. એ.સી.બી.ને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ભ્રષ્ટ અધિકારી/કર્મચારીઓ સામે કામ ચલાવવા વ્યાપક સત્તાઓ આપી છે. ભ્રષ્ટ અધિકારીઓ/કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ ગૌવંશ હત્યા વિરુદ્ધનો અતિ સખ્ત કાનૂન પણ તેમણે અમલી બનાવ્યો છે. આમ ગુંડા તત્વો, જમીન કૌભાંડકારો-ભૂમાફિયાઓ, ગૌવંશના હત્યારા સહિત દરેક અસામાજિક તત્વોને દશે દિશાએથી ભિડવવાનો અભિગમ મુખ્યમંત્રીશ્રીએ કાયદાઓના કડક અમલીકરણથી અપનાવ્યો છે. 
 
ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવિટીઝ (પ્રિવેન્શન) એકટ’- ઓર્ડિનન્સનો અમલ કરાવીને રાજ્યમાં જે ગુંડા તત્વો નિર્દોષ નાગરિકોને રંજાડે છે તેવા માથાભારે લોકો સામે પણ કાનૂની સકંજો કસી ગુજરાતને અપરાધમુકત, સલામત-સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવા સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. 
રાજ્યમાં જાહેર જનજીવન અને કાયદો વ્યવસ્થાને ખલેલ પહોચાડી વિકાસમાં બાધક બનતા ગુંડા તત્વો પર કાયદાકીય સકંજો વધુ સખ્તાઇથી કસવા આ વટહુકમમાં કેટલીક કડક જોગવાઇઓ દાખલ કરવાનો દ્રઢનિર્ધાર કર્યો છે.
 
રાજ્યમાં દારૂનો વેપાર, જુગાર, ગાયોની કતલ, નશાનો વેપાર, અનૈતિક વેપાર, માનવ વેપાર, બાળકોની જાતિય સતામણી, બનાવટી દવાનું વેચાણ, લોન શાર્ક (વ્યાજ ખોર) , જમીન છીનવી લેવી, અપહરણ, ગેરકાયદે કૃત્યો, ગેરકાયદેસરના હથિયારો વગેરે જેવી અસામાજિક પ્રવૃતિઓ આચરતા ગુંડા તત્વો સામે કડક કાયદાકીય જોગવાઇ ઉભી કરવાના હેતુથી નવા અલગ કાયદાની આ દરખાસ્ત કરવામાં આવી છે.
 
ગુંડા તત્વોની વ્યાખ્યામાં વ્યક્તિગત અથવા જુથમાં હિંસાની ધમકી આપવી, ધાક ધમકી આપવી અથવા અન્ય રીતે જાહેર વ્યવસ્થાને નુકશાન પહોંચાડવાના ઉદ્દેશથી કામ કરતી અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલી વ્યક્તિઓનો સમાવેશ પણ આ કાયદા અંતર્ગત સજા પાત્રતામાં કરવામાં આવ્યો છે. કોઇ ગુંડા તત્વ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય કે તેવી પ્રવૃત્તિ કરવાની તૈયારી કરતા હોય અથવા રાજ્યમાં શાંતિની જાળવણીમાં બાધક બને ત્યારે તેને સાત વર્ષથી ઓછી નહિ અને દસ વર્ષ સુધીની  કેદની અને પચાસ હજાર રૂપિયાથી ઓછો નહિ તેટલા દંડની શિક્ષાની જોગવાઇ પણ આ નવા કાયદામાં સુનિશ્ચિત કરી છે.
 
 
એટલું જ નહિ, રાજ્યસેવક/સરકારી કર્મચારી હોય તેવી કોઇ વ્યક્તિ આવા ગુંડા તત્વોને ગુનો કરવા પ્રેરિત કરે કે મદદ કરે અથવા ગેરકાયદેસર રીતે કોઇ મદદ કરે કે સાથ આપે તો તેને ત્રણ વર્ષથી ઓછી નહિ પરંતુ દસ વર્ષ સુધીની કેદની સજા અને દંડની જોગવાઇ કરવામાં આવી છે. આ અધિનિયમના નિયમોનું ઉલ્લંઘન કરીને ગુંડા તત્વો દ્વારા કરવામાં આવેલા કોઇપણ કાર્ય માટે દસ હજાર સુધી દંડ સહિત અથવા દંડ વિના છ મહિના સુધીની મુદતની કેદની સજાની જોગવાઇ પણ વટહુકમમાં મુખ્યમંત્રીએ કરી છે.
 
આ વટહુકમ હેઠળ કોઇ પણ ગૂનો નોંધતા પહેલા સંબંધિત રેન્જ આઇ.જી અથવા પોલીસ કમિશનરની પૂર્વમંજૂરી સિવાય આવો ગૂનો નોંધી શકાશે નહી તેવી જોગવાઇ પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાનિર્દેશનમાં મંત્રીમંડળની આગામી બેઠકમાં ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એકટીવીટીઝ (પ્રિવેન્શન) વટહુકમની જે દરખાસ્ત રજુ થવાની છે તેમાં આ વટહુકમને વધુ વ્યાપક બનાવવા કેટલીક મહત્વપૂર્ણ બાબતો પણ આવરી લેવાશે.
 
તદઅનુસાર, રાજ્યમાં નશાબંધી ધારો, કેફી ઔષધ ધારા ની જોગવાઇનો ભંગ કરી દારૂ, માદક દ્રવ્યો, જોખમી ઔષધોનું સેવન કરવું, ઉત્પાદન કરવું, હેરાફેરી કરવી અથવા આયાત નિકાસ કરવા જેવી બાબતોનો પણ સજા પાત્રતામાં સમાવેશ થાય છે. કાયદાની જોગવાઇથી વીપરીત રીતે સ્થાવર મિલકતોનો કબજો લેવો, તેમાં મદદ કરવી, માલીકી હકના ખોટા દાવા ઉભા કરવા કે તે  સંદર્ભમા બનાવટી દસ્તાવેજો ઉભા કરવા જેવી બાબતોને આ કાયદામાં સજા પાત્ર બાબત તરીકે આવરી લેવાઇ છે. 
 
આ ઉપરાંત મહિલાઓના અનૈતિક વ્યાપાર સંદર્ભના ગુનાઓ, બાળ રક્ષણ અધિનિયમ હેઠળના ગુનાઓ, જુગાર પ્રતિબંધ હેઠળના ગુનાઓ, સામુદાયિક સંવાદિતાને ખલેલ પહોચાડવી તે માટે હિંસાનો આશ્રય લેવો, પ્રજામાં ગભરાટ ફેલાવવો કે આતંક ફેલાવવો ખંડણીના ઇરાદાથી વ્યક્તિનું અપહરણ કરવું, નાણાં ધિરધાર અધિનિયમ હેઠળ મુદ્દલ કે વ્યાજની વસુલાત માટે કોઇ પણ વ્યક્તિની સ્થાવર કે જંગમ મિલકત લઇ લેવા શારિરીક હિંસા કરવી કે ધમકી આપવી, ગેર કાયદેસર રીતે પશુ ધનની હેર ફેર કરવી, શસ્ત્ર અધિનિયમનો ભંગ કરી શસ્ત્ર અને દારૂગોળાના ઉત્પાદન વેચાણ અને હેર ફેર માં સંડોવણી જેવા કિસ્સાઓમાં આ ગુંડા ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
 
આ કાયદાના ઝડપી અમલ અને નાગરિકોને સત્વરે ન્યાય આપી શકાય તે હેતુસર વિશેષ અદાલતોની સ્થાપના કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે અને એ માટે પુરતી જોગવાઇ પણ કરી દેવાઇ છે. આ ઉપરાંત જરૂર જણાયે નિયત સિવાયના અન્ય સ્થળે પણ કોર્ટ કાર્યવાહી માટે બેઠક બોલાવી શકાય તેવી જોગવાઇ પણ કરાઇ છે અને વિશેષ અદાલતોની રચના થયેથી તે અગાઉના કોઇ પણ ન્યાયાલયમાં પડતર કેસો વિશેષ અદાલતની હકુમતોમાં આવી જશે. જરૂર જણાયે કોઇ કેસને નિકાલ માટે એક વિશેષ અદાલતમાંથી બીજી વિશેષ અદાલતમાં તબદીલ કરવાની પણ જોગવાઇ આ કાયદામાં કરવામાં આવી છે. વધુમાં આરોપીઓ સામે વિશેષ કોર્ટ સિવાય અન્ય કોર્ટમાં કામ ચાલતું હોય તો આરોપીની ગેરહાજરીમાં પણ આવા કેસો ચલાવી શકાશે અને આવા કેસોનો નિકાલ પણ થઇ શકશે. 
 
મુખ્યમંત્રીએ નિર્દોષ ઇમાનદાર નાગરિકોને આવા ગુંડા તત્વોથી રક્ષણ આપવા એવી જોગવાઇ પણ સુનિશ્ચિત કરી છે કે, ગુંડા ધારા હેઠળ ગુનામાં જે વ્યકિત સાક્ષી બનશે તેને પણ રાજ્ય સરકાર પુરેપુરૂ રક્ષણ આપશે અને સાક્ષીની ઓળખ, સરનામું ગુપ્ત રાખવામાં આવશે. તદ્દઉપરાંત સાક્ષીઓના નામ અને સરનામાનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં. આ જોગવાઇના ઉલ્લંઘન બદલ જે તે વ્યક્તિને એક વર્ષ સુધીની કેદ અને ૫૦૦૦ રૂપિયા સુધીના દંડની જોગવાઇ કરાઇ છે. 
 
આ ઉપરાંત ગુંડા તત્વો દ્વારા મેળવવામાં આવેલી મિલકત ગુંડા ધારા હેઠળ કાનુની કાર્યવાહીને પાત્ર હોય તેવા કિસ્સામાં જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તે ટાંચમાં લઇ શકાશે અને જરૂર જણાયે આવી મિલકતના વહીવટકર્તાની પણ તેઓ નિમણૂંક કરી શકશે. ગુજરાતની શાંત, સલામત, સુરક્ષિત અને સમૃદ્ધ રાજ્યની આગવી ઓળખને વધુ સુદ્રઢતાથી આગળ ધપાવવા આ વટહુકમની જોગવાઇઓના ચુસ્ત અમલની પ્રતિબદ્ધતા વ્યકત કરી છે.