શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 સપ્ટેમ્બર 2020 (14:15 IST)

વિધાનસભાની પેટાચૂંટણી મોકૂફ રાખવાની રિટ હાઇકોર્ટે ફગાવી

કોરોના વાયરસના સંક્રમણના ભયના કારણે ગુજરાત વિધાનસભાની આઠ ખાલી બેઠકો પરની પેટાચૂંટણી મોકૂફ રાખવાની માગણી કરતી જાહેર હિતની રિટ ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે આ રિટને અપરિપક્વ અને ખૂબ વહેલાં કરાઇ હોવાનું અવલોકન નોંધી રિટનો નિકાલ કર્યો છે. ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠ સમક્ષ આજે યોજાયેલી સુનાવણીમાં ચૂંટણી પંચ તરફથી ફરી ખાતરી અપાઇ હતી કે હજુ પેટાચૂંટણીની તારીખો અને કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે અને જરૂર જણાશે તો ચૂંટણીની તારીખો પાછળ પણ ઠેલવામાં આવશે. પંચની આ રજૂઆત ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે રિટનો નિકાલ કર્યો છે, તેમજ રિટને અપરિપક્વ તેમજ યોગ્ય સમય કરતાં વહેલાં કરાઇ હોવાનું અવલોકન પણ કર્યું છે. અરજદારની રજૂઆત હતી કે કોરોનાના કારણે સૌથી વધુ અસર પામેલા રાજ્યોમાં ગુજરાતનો પણ સામાવેશ થાય છે. હવે રાજ્યના ગ્રામીણ વિસ્તારો અને નાનાં શહેરો પણ સંક્રમણની ઝપેટમાં આવ્યા છે. આવી પરિસ્થિતિમાં વિધાનસભાની ખાલી પડેલી બેઠકો મોરબી, અબડાસા, ડાંગ, ધારી, કપરાડા, કરજણ, ગઢડા અને લીમડી પર પેટાચૂંટણી યોજવાનું આયોજન થઇ રહ્યું છે. જે આઠ બેઠકોમાં પેટાચૂંટમી યોજાવાની છે તે વિસ્તારના આશરે 50 લાખથી પણ વધુ લોકો આ ચૂંટણીના કારણે જોખમમાં મૂકાય તેમ છે. આ વિસ્તારમાં કુલ 18.71 લાખ મતદારો અને 2494 મતદાન કેન્દ્રો છે. ચૂંટણીના કારણે આ વિસ્તારોમાં બહારથી પણ લોકો આવશે. ચૂંટણી પ્રચાર માટે બેઠકો, રેલીઓ અને સરઘસો થશે અને લોકોનાં ટોળા એકત્ર થશે. જેના કારણે કોરોનાનું સંક્રમણ વધશે.