ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 1 સપ્ટેમ્બર 2020 (10:57 IST)

રાજ્યમાં અત્યાર સુધી ૧૨૦ ટકા સરેરાશ વરસાદ નોંધાયો : કચ્છમાં ૨૫૧.૬૬ ટકા સરેરાશ વરસાદ

રાજ્યમાં થઇ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને આગોતરા આયોજન માટે મુખ્ય સચિવ ડો. અનિલ મૂકીમે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. વરસાદને પગલે રાજ્યના ડેમો-જળાશયોની સ્થિતિની સમિક્ષા કરી સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યનું વહીવટી તંત્ર સુસજ્જ છે અને રાજ્યમાં પરિસ્થિતિ હાલ સંપુર્ણ નિયંત્રણ હેઠળ છે.
રાહત કમિશનર ડો. હર્ષદ પટેલે સમીક્ષા બેઠક બાદ મીડિયાને વિગતો આપતા કહ્યું કે, આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે તેવી હવામાન વિભાગની આગાહી છે.  હાલ ૧૩ NDRFની ટીમો અને SDRFની બે ટીમો સંબધીત જિલ્લાઓમાં તૈનાત છે. તે ઉપરાંત NDRF-SDRFની અન્ય ૧૧ ટીમો સ્ટેન્ડબાય-રિઝર્વ રાખવામાં આવી છે.
 
રાજ્યમાં ડેમ-જળાશયોની સ્થિતિ ઉપર સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આજે યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ શ્રી દ્વારા પણ આ સંદર્ભે જરૂરી સમીક્ષા કરીને સંબંધિત વિભાગ તથા સ્થાનિક વહિવટી તંત્રને અગમચેતીના પગલા લેવા તથા જરુર જણાય ત્યાં સ્થળાંતરની કાર્યવાહી કરવા તાકિદ કરી હતી.
 
રાજ્યમાં ૯૪ તાલુકાઓ એવા છે કે જેમાં મોસમનો ૧૦૦૦ મીમી થી વધુ વરસાદ વરસ્યો છે. એ જ રીતે ૧૩૩ તાલુકાઓમાં ૫૦૧ થી ૧૦૦૦ મીમી સુધી, ૨૪ તાલુકાઓમાં ૨૫૧ થી ૫૦૦ મીમી સુધી અને ૨૫૦ મીમીથી ઓછો વરસાદ વરસ્યો હોય તેવા એક પણ જિલ્લા નથી. આમ સમગ્ર રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ ૧૧૯.૭૮ ટકા થઈ ગયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૨૫૧.૬૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૬૨.૬૪ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૦૨.૪૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૦૧.૭૨ ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં ૮૭.૫૬ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
 
રાજ્યમાં થયેલા સારા વરસાદના પરિણામે સરદાર સરોવર ડેમમાં હાલ ૨,૬૭,૦૧૦ MCFT જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહશક્તિના ૭૯.૯૨ ટકા જેટલો છે. હાલ ૧૩૮.૬૮ મીટરે જળ સપાટી છે. તે ઉપરાંત રાજ્યના ૨૦૫ જળાશયો પૈકી ૧૫૪ જળાશયો હાઇ એલર્ટ પર, ૧૨ જળાશયો એલર્ટ પર અને ૧૨ જળાશયો વોર્નિંગ ઉપર છે. ૧૦૦ ટકાથી વધુ ભરાયેલા ડેમ ૧૦૩ છે. રાજ્યમાં કુલ ૬૨ નદીઓ અને ૭૮ મોટા તળાવ ઓવરફલો થયા છે.
 
રાજ્યમાં ૧૩ ઓગષ્ટ-૨૦૨૦થી આજ દિન સુધીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૧૯,૫૨૩ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. જે પૈકી હાલ ૧૨૮૬ લોકો આશ્રયસ્થાનોમાં છે. રાજ્યમાં વરસાદને પરિણામે ૩૦ ગામમાં વીજ પુરવઠાની સ્થિતિને અસર થઈ છે જે સત્વરે પૂર્વવત કરવા જરૂરી સૂચનાઓ આપી દેવાઈ છે. એ જ રીતે રાજ્યના એસટી બસની ૪૮ રૂટ પરની ૧૦૧ ટ્રીપો બંધ કરવામાં આવી છે. ઉપરાંત વરસાદની સ્થિતિના પગલે સ્ટેટ હાઇવેના ૩૩ અને પંચાયત હસ્તકના ૨૩૨, નેશનલ હાઇવે એક તથા અન્ય ૩૧ મળી કુલ ૨૯૭ રસ્તાઓ બંધ કરાયા છે. તેમજ રાજ્યમાં થયેલા સારા વરસાદને પરિણામે ૯૭.૧૪ ટકા વાવેતર થઇ ગયું છે.