શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 22 ઑક્ટોબર 2022 (14:07 IST)

ગુજરાત કોંગ્રેસના 65 જેટલા ઉમેદવારોના નામ ફાઈનલ થયા, દિવાળી પછી જાહેરાતની શક્યતાઓ

congress
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આમ આદમી પાર્ટીએ છઠ્ઠી યાદીમાં 20 ઉમેદવારો જાહેર કરીને કુલ 73 ઉમેદવારોની જાહેરાત કરી છે. ત્યારે હવે કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ઉમેદવારોની પસંદગી માટે દિલ્હીમાં ત્રણ દિવસ સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠક ગઈ કાલે પુરી થઈ છે. હવે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક યોજાશે. જેમાં ઉમેદવારોની ફાઈનલ યાદી અંગે ચર્ચાઓ થશે. ત્યાર બાદ દિવાળી પછી ઉમેદવારોની પહેલી યાદી જાહેર થશે.

ગુજરાતની 182 બેઠકો માટે કોંગ્રેસ પાસે 900 જેટલા દાવેદારોએ ચૂંટણી લડવા માટે ઈચ્છા દર્શાવી છે. પ્રદેશ કક્ષાએ વિવિધ માપદંડોના આધારે સ્ક્રૂટિની કરાયા બાદ એકથી ચાર દાવેદારોના નામ સાથેની પેનલ સ્ક્રિનિંગ કમિટીને મોકલવામાં આવી હતી. કોંગ્રેસના સિનિયર નેતા રમેશ ચેન્નીથલાને સ્ક્રિનિંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. તેમના અધ્યક્ષ સ્થાને 19થી 21 ઓક્ટોબર સુધી ત્રણ દિવસ સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં 65 જેટલા નામ ફાઈનલ કરવામાં આવ્યા હોવાનું કોંગ્રેસના સુત્રો જણાવી રહ્યાં છે. કોંગ્રેસના સુત્રોએ કહ્યું કે, ત્રણ દિવસની બેઠકમાં તમામ 182 બેઠકો માટે ચર્ચા થઇ હતી. બેઠક પ્રમાણેની નામોની પેનલ તૈયાર કરવામાં આવી હતી. હવે કોંગ્રેસનાં નવનિયુક્ત અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેના વડપણ હેઠળ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાશે અને તેમાં ઉમેદવારોના નામો ફાઈનલ કરવામાં આવશે. ઓકટોબર માસના અંત સુધીમાં કોંગ્રેસ પોતાના નામની પહેલી યાદી જાહેર કરી શકે છે.સુત્રોના કહેવા પ્રમાણે મોટાભાગના વર્તમાન ધારાસભ્યોને રિપીટ કરવામાં આવશે. ત્યારે પ્રથમ યાદીમાં આ વર્તમાન ધારાસભ્યોના નામ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે કોંગ્રેસ પણ ચૂંટણી જાહેર થવા પહેલા ઉમેદવાર જાહેર કરવાની હોડમાં હતી. પરંતુ હવે કોંગ્રેસ દરેક ડગલું ફૂંકી ફૂંકીને ભરશે. ચૂંટણી દરમિયાન કોઈ ધારાસભ્યોકે અન્ય નેતાઓની નારાજગી સામે ના આવે તે માટે સાવધાનીપૂર્વક ઉમેદવાર પસંદ કરવાના મૂડમાં છે. તાજેતરમાં જ કોંગ્રેસના એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું હતું.