મંગળવાર, 15 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 એપ્રિલ 2021 (08:52 IST)

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનોને મળશે ઠંડક, ડોમમાં લાગ્યા એરકુલર

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવીડગ્રસ્ત દર્દીઓના સ્વજનોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્રએ કમર કસી છે. કોવીડના દર્દીઓની સંખ્યામાં વધારો થતા જિલ્લા વહીવટીતંત્ર સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દિન-પ્રતિદિન નવી વ્યવસ્થાઓ વિકસાવી રહ્યું છે. 
 
આ આયોજનના ભાગરુપે સોલા સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં દર્દીઓના સ્વજનો માટે ડોમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.આ ડોમમાં દર્દીઓના સ્વજનોને ઉનાળામાં ગરમીથી રાહત રહે તે માટે એરકુલરની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 
 
આ ઉપરાંત અહીં શરુ કરવામાં આવેલા હેલ્પડેસ્ક પરથી દર્દીઓના સ્વજનોને જરુરી રિપોર્ટ પણ મળી રહે છે. આ ઉપરાંત દર્દીના પરિવારજનો દર્દીના ખબર-અંતર પૂછી શકે તે માટે વીડિયો કોલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દર્દીના સ્વજનો સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ અને બપોરે ૩-૦૦ થી ૫-૦૦ વાગ્યા દરમિયાન દર્દી સાથે વાત કરી શકે છે. 
 
આ સુવિધા અંગે વાતચીત કરતા સોલા સિવિલ હોસ્પિટલના RMO ડો. પ્રદિપભાઈ પટેલ કહે છે કે, દર્દીઓમાંથી અન્ય લોકોમાં ક્રોસ ઈન્ફેકશન ન ફેલાય તે માટે અમે ગ્રાઉન્ડ ફ્લોર પર ડોમની સુવિધા ઉભી કરી છે. જેને અમે હેલ્પડેસ્ક નામ આપ્યું છે. ડો.પ્રદિપભાઈ ઉમેરે છે કે વીડિયો કોલિંગની ફેસિલિટીથી અમે દર્દી અને તેમના સ્વજનો વચ્ચે વાતચીત કરાવીએ છીએ. જેથી દર્દીના સ્વજનોને પણ માનસિક રીતે રાહત રહે છે.  
 
અમદાવાદના વાસણા વિસ્તારના દેવલભાઈ થાનકી આ સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કરતા કહે છે કે, અહીં સુવિધાઓ સારી છે. ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન અને રેમડેસિવિર લાવવાની ચિંતા રહે છે પણ અહીં સરકારી હોસ્પિટલમાં તે અંગે અમે નિશ્ચિત છીએ. દેવલભાઈના બહેનના સસરા રસિકભાઈ થાનકી સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે. 
 
ઉલ્લેખનીય છે કે સોલા સિવિલ હોસ્પિટલમાં સુચારુ સંચાલન થાય  અને નાગરિકોને ઉત્તમ આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સાયન્સ-ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી હારિત શુક્લાની આગેવાનીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાંગલે અને જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ, સોલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. પીના  સોની સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.