એટીએસે કર્યો ખુલાસો: હિરેન પટેલની હત્યા રાજકીય કાવતરું, કોંગ્રેસ MLAના ભાઈની સંડોવણી
ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલર હિરેન પટેલ હત્યા કેસમાં ATSએ હરિયાણામાંથી ઈમરાન ગુડાલા ઉર્ફે ઈમુ ડાંડની હરિયાણાથી ધરપકડ કરી છે. અગાઉ દાહોદ પોલીસ 6 આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. ત્રણ મહિના અગાઉ વાહનની ટક્કર મારી કોર્પોરેટર હિરેન પટેલની હત્યા કરવામાં આવી હતી. એટીએસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, હિરેન પટેલની હત્યા રાજકીય છે, ઝાલોદના કોંગ્રેસી ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈના ઈશારે આ રાજકીય હત્યા કરવામાં આવી છે.
ત્રણ મહિના અગાઉ થયેલી આ હત્યામાં સંડોવાયેલા ગોધરાકાંડના આરોપી ઈરફાન પાડા, ઝાલોદના અજય કલાલ, મધ્યપ્રદેશના મહોમ્મદ સમીર, સજ્જનસિંગ ચૌહાણ, બાલારામ ભીલવાડા, સલીમ ઉર્ફે કાળાભાઈ શેખ અને ઈમરાન ગુડાલા સહિત 7 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. ઈમરાન ગુડાલા ઉર્ફે ઈમુ ડાંડની ધરપકડ કર્યા બાદ ATSની પૂછપરછમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. હિરેન પટેલની હત્યા રાજકીય હોવાનું સામે આવ્યું છે.
ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અને પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અમિત કટારા હત્યા કેસમાં સામેલ હોવાની માહિતી સામે આવી છે. ઈમરાન અને અમિત કટારાએ મળીને સમગ્ર હત્યાનું કાવતરું રચ્યું હતું. આ હત્યા કેસમાં અન્ય કોઈ રાજકીય આગેવાનની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે. ઝાલોદના ધારાસભ્ય ભાવેશ કટારા દ્વારા ઝાલોદ નગરપાલિકામાં આચરવામાં આવતા કૌભાંડોનો હિરેન પટેલે પર્દાફાશ કર્યો હતો.
ત્રણ માસ અગાઉ હિરેન પટેલની હત્યા કરવામાં આવી હતી. તેઓ સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા, ત્યારે આ નગર સેવકની અકસ્માત કરીને હત્યા કરવામાં આવી હતી. હત્યાના ષડયંત્રનો પર્દાફાશ દાહોદ પોલીસે કર્યો હતો. આ કેસમાં 6 આરોપીઓ ઝડપાયા હતા, જ્યારે કે અન્ય 1 આરોપી ફરાર થયો છે. સમગ્ર કેસ મામલે અમદાવાદ ATS તેમજ રાજ્યની અન્ય એજન્સીઓ કામે લાગી હતી. ત્યારે આજે ગૃહરાજ્ય મંત્રીએ મૃતક હિરેન પટેલના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તેઓએ કહ્યું કે, સંડોવાયેલા તમામ આરોપીઓને કડકમાં કડક સજા થશે.
હિરેન પટેલના મોતના આઘાતમાં પત્નીનું નિધન
હિરેન પટેલના મોતનો આઘાત સહન નહીં કરી શકતા તેમના પત્નીનું પણ તાજેતરમાં મૃત્યુ થયું છે. રાજકીય હત્યા હોવાની ગંધ આવતા ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા તાજેતરમાં મૃતક હિરેન પટેલના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હત્યા કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવાની ખાતરી આપી હતી. હત્યામાં સામેલ કોઈને પણ નહીં છોડવામાં આવે તેમ પણ જણાવ્યું જાડેજાએ જણાવ્યું હતું અને આ ચકચારી હત્યા કેસની તપાસમાં એટીએસને સામેલ થવા આદેશ કર્યો હતો.